રાજકોટ,તા.14 : (ફૂલછાબ ન્યૂઝ) પીલાણ માટે શેરડીનો જથ્થો નહીવત મળવાને લીધે ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન 7 ટકા ઘટીને 7.06 લાખ ટન સુધી પહોંચી ગયું છે. જે ગયા વર્ષના 8.56 લાખ ટન કરતા ખાસ્સું કપાયું છે. ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કો ઓપરેટિવ સુગર ફેક્ટરીઝના કહેવા મુજબ પાછલા સપ્તાહના અંત સુધી માત્ર એક નર્મદા મિલ ચાલી રહી હતી. એ પણ હવે બંધ થઇ જશે. એ જોતા ખાંડના ઉત્પાદનમાં હવે ખાસ વધારો થવાનું મુશ્કેલ છે.
દૈનિક 10 હજાર ટન શેરડીનું પીલાણ
કરવાની ક્ષમતા ધરાવતી બારડોલીની મિલ 18મી માર્ચે બંધ થઇ ગઇ છે.11 નવેમ્બરથી શરૂ થઇ
હતી. ત્યાં 1,29,140 ટન ખાંડ બની છે. ત્યાં કુલ 11,55,665 ટ શેરડીનું પીલાણ કરવામાં
આવ્યું છે.
સમગ્ર ગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર
સુધીમાં 65,57,788 ટન શેરડીનું પીલાણ કરવામાં આવ્યું છે. પાછલા વર્ષની સાથે તુલના કરવામાં
આવે તો પીલાણ માટે શેરડીની ઉપલબ્ધિ ઘણી ઓછી રહી છે. ગત વર્ષે 82,40,020 ટન શેરડી પીલવામાં
આવી હતી. ચાલુ વર્ષમાં સૌથી વધારે ઉત્પાદન બારડોલી મિલમાં થયું છે. જોકે એ પછી સાયન
મિલમાં 85,795 ટન ખાંડ બની છે. ગયા વર્ષમાં
ત્યાં 94,780 ટન ખાંડ ઉત્પાદન થયું હતુ.
878,656 ટન ખાંડ નર્મદા મિલે
બનાવી છે. ગયા વર્ષમાં નર્મદા મિલ 8 એપ્રિલે બંધ થઇ હતી અને 81,30 ટન ખાંડ બની હતી.
આ વર્ષનો આંકડો નબળો છે. ગણદેવી મિલમાં ચાલુ વર્ષ દરમિયાન 81,520 ટન, મઢીમાં 77,990
ટન, ચલથાણમાં 53,409 ટન, મહુવામાં 51,696 ટન ખાંડ બની છે જ્યારે કામરેજમાં 52,092 ટન ખાંડ
ઉત્પાદન થયું છે. ઉકાઇમાં 5,505 ટન, ગણેશમાં 17,801 ટન, કોપરમાં 23,477 ટન, પાંડવાઇમાં
45,455 ટનનું ઉત્પાદન થયું છે. ગયા વર્ષે વડોદરા મિલમાં 5,163 ખાંડ બની હતી પરંતુ ચાલુ
વર્ષે આ મિલ શરૂ થઇ નથી.