• મંગળવાર, 14 એપ્રિલ, 2026

બાઉન્સર રણનીતિ પર ખુલાસો કરતો RCB સ્પિનર કુણાલ

મુંબઈ, તા.13 : આરસીબીના સ્પિન ઓલરાઉન્ડર કુણાલ પંડયાએ કહ્યું છે કે તે બાઉન્સર બોલ ફેંકવાની યોજના પહેલાથી બનાવતો નથી. બેટધર પર દબાણ સર્જવા અને હાવી થવા માટે સહજતાથી આ પ્રકારના દડા ફેંકે છે. કુણાલે ગઇકાલના હાઇ સ્કોરિંગ મેચમાં 4 ઓવરમાં ફક્ત 26 રન આપી 1 વિકેટ લીધી હતી. આ મેચમાં એમઆઇ સામે આરસીબીનો 18 રને વિજય થયો હતો. મેચ પછીની પત્રકાર પરિષદમાં કુણાલ પંડયાએ કહ્યું મેં ક્યારે પણ અલગ અલગ પ્રકારના બોલ ફેંકવાનું બંધ કર્યું નથી. પ્રયોગ કરતો રહું છું. પહેલા ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ન હતો. એટલે પાંચમા કે છઠ્ઠા નંબર પર ઓલરાઉન્ડર આવતો, પણ હવે આઠમા ક્રમે પણ વિશુદ્ધ બેટધર આવે છે. મને ખુશી છે કે હું મારી રણનીતિ પર સારો અમલ કરી રહ્યો છું. હું બાઉન્સરની પહેલેથી યોજના બનાવતો નથી. વિરાટ કોહલીની ઇજા વિશે તેણે કહ્યું ગંભીર નથી.

પંડયા બ્રધર્સના અબોલા

એમઆઇ અને આરસીબી વચ્ચેના મેચ દરમિયાન હાર્દિક અને કુણાલ આમને-સામને હતા. ભૂતકાળમાં જોવા મળ્યું છે કે પંડયા બ્રધર્સ હરીફ ટીમમાં હોવા છતાં મેદાન પર હસી-મજાક કરતા રહેતા. તેમના વચ્ચે ભાઇચારો જોવા મળતો પણ ગઈકાલના મેચમાં બન્ને એક-બીજા સામે જોતા પણ ન હતા. હાર્દિક આઉટ થયો ત્યારે મોટાભાઇ કુણાલે આક્રમક અંદાજમાં ખુશી મનાવી હતી. રિપોર્ટ અનુસાર હાર્દિકની લાઇફમાં મહિકા શર્માના આગમન બાદથી બન્ને ભાઇના સંબંધ વણસી ગયા છે. હવે ગઈકાલના મેચના માહોલ પછી આ વાતને વધુ હવા મળી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક