‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટના તાર દુબઈ સુધી જોડાયેલા, ગાંધીનગર CID ક્રાઈમની વડોદરા, પાલનપુર અને ગોવામાં રેડ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.13: ગાંધીનગર સીઆઇડી ક્રાઈમને સાયબર ફ્રોડના વધી રહેલા ગુના વચ્ચે મહત્ત્વની સફળતા
મળી છે. 77 કરોડથી વધુના એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે. વડોદરા, પાલનપુર
અને ગોવામાં દરોડામાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ રેડમાં 375 કેસ સાથે જોડાયેલા
દેશવ્યાપી છેતરાપિંડીની તપાસમાં મ્યુલ બેંક ખાતાઓ, નકલી કંપનીઓ અને સિમ કાર્ડના નેટવર્કનો
પર્દાફાશ થયો હતો. સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગામિંગના કાળા નાણાંને સગેવગે કરવા માટે
ભાડે રખાતા ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ચલાવતી ગેંગના 16 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ
ટોળકીએ આચરેલા સાયબર ગુનામાં 260થી વધુ બેન્ક ખાતાઓનો ડેટા મળ્યો છે.
પોલીસે
જણાવ્યું કે, સૌથી પહેલી રેડ વડોદરામાં કરવામાં આવી હતી. ત્યાં મ્યુલ એકાઉન્ટ હેન્ડલર
કિરણ જોશી સાયબર ફ્રોડનું સંચાલન કરતો હતો. તેના ચાર સાગરિત સિદ્ધરાજ ગણપતભાઈ શિરવાડિયા,
કાંકરેજના મહેશ લાલજીભાઈ જોશી, પાલનપુરના જીગર રાજુભાઈ સોલંકી અને ઓગડના પ્રકાશ રામજીભાઈ
જોશીની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો મ્યુલ એકાઉન્ટસની ડિટેલ્સ આગળ મોકલતા હતા. સાથે
જ તેઓ બોગસ કંપની ઉભા કરતા હતા અને તેની સાથે તેઓ કરન્ટ એકાઉન્ટનો પણ ઉપયોગ કરતા હતા.
તેમના દ્વારા બોગસ કંપનીઓના નામે ખાતા ખોલાવીને તેની ચેકબુક, ડેબિટ કાર્ડ અને સિમકાર્ડ
સાયબર ઠગોને સોંપવામાં આવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 15 લેપટોપ, 87 મોબાઈલ ફોન,
15 ચેકબુક, પાસબુક, 2 રાઉટર, 126 સિમકાર્ડ, 2 પેનડ્રાઈવ, 7 ક્યુઆર કોડ્સ અને કેટલાક
કોરા ચેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રેકેટમાં
સામેલ તેમજ મ્યુલ એકાઉન્ટ હેન્ડલ કરતા અન્ય બે લોકો મીત શ્રીમાળી અને મેહુલ સોલંકી
પાલનપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આગળની તપાસ કરતા જાણવા મળ્યું કે, રેકેટનું આખું
હેન્ડાલિંગ ગોવાથી કરવામાં આવી રહ્યું હતું અને બધી જ પ્રોસેસ ત્યાંથી જ થતી હતી. આ
માહિતીના આધારે ગોવામાં પણ રેડ કરી હતી. ત્યાં રેકેટનો મુખ્ય કિનાપિંગ જીતુ ઠક્કર હોવાનું
સામે આવ્યું હતું. રેડમાં જીતુ ઠક્કર ઉપરાંત તેના સાત સાગરિત, સાહિલ પ્રજાપતિ, જૈમિન
પ્રજાપતિ, વિજય નાઈ, હિતેશ ઠાકુર, ધ્રુવ ચૌધરી, અનિલ ચૌધરી, આશિષ ચૌધરી અને નરેશની
ધરપકડ કરવામાં આવી છે. કેસમાં વધુ તપાસ ચાલુ છે અને આગળ વધુ ખુલાસાઓ થાય તેવી પૂરેપૂરી
શક્યતા છે.