• મંગળવાર, 14 એપ્રિલ, 2026

નિવૃત્ત શિક્ષિકા ડિજિટલ એરેસ્ટ : 33 લાખ ગુમાવ્યા

આતંકવાદી પાસેથી તમારૂં આધાર કાર્ડ મળ્યું છે, મની લોન્ડારિંગમાં ફસાવાની ધમકીઓ આપીને મરણમૂડી લૂંટી 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.13 : ડિજિટલ એરેસ્ટ દ્વારા નિવૃત્ત થયેલા સીનિયર સિટિઝનને ડરાવી ધમકાવીને સાયબર ફ્રોડ આચરવાની સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત શિક્ષિકા તાજેતરમાં ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે. તેમને ખોટા કેસની ધમકીઓ આપી તેમની પાસેથી નાણાકીય વિગતો મેળવીને સાયબર ઠગોએ રૂ. 33 લાખ પડાવી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ નારણપુરામાં ચંદન પાર્ક સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત શિક્ષિકા ચારુલતાબેન બળદેવભાઈ રાવલ (ઉં.78) સાથે સાયબર ફ્રોડ થયું હતું. તેઓ યુએસ સિટિઝન છે અને ઓસીઆઈ કાર્ડ ધરાવે છે. તેઓ શારદા વિનય મંદિર પાલડીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ પતિ સાથે નિવૃત્ત જીવન ગાળે છે. 2જી એપ્રિલે આશરે દસેક વાગ્યે વોટ્સએપ પર તેમને ફોન આવ્યો હતો જેમાં સામેવાળો જે દેખાતો ના હોય તેણે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ઓફિસર વિક્રમાસિંહ તરીકે ઓળખ આપી હતી. ફોન કરનારે જણાવ્યું કે, એક આતંકવાદી આશિફા ફાર્મ હાઉસ પર રેડ કરતા હથિયારો, રોકડ અને 200 આધાર કાર્ડ મળ્યા છે જેમાં તમારા પતિ બળદેવભાઈનું આધારકાર્ડ પણ છે. આ આધારકાર્ડ પર પહેલગામમાં બેન્ક ખાતું ખોલાવેલું છે અને તેમાં લાખો રૂપિયાનું મની લોન્ડારિંગ થયું છે. બાદમાં ચારૂલતા બહેનને મની લોન્ડારિંગના ગુનામાં શું-શું થાય તેવી ડરામણી વાતો કરી હતી. ત્યારબાદ વોટ્સએપ પર સરકારી એરેસ્ટ વોરન્ટની નકલ મોકલી હતી. સાયબર ઠગોએ વૃદ્ધ દંપતી સાથે કોન્ફિડેન્શિયલ કરાર પણ કર્યો હતો અને દર ત્રણ કલાકે વીડિયો કોલથી સંપર્ક કરવા તથા આ અંગે કોઈને જાણ નહીં કરવા કહ્યું હતું. આમ ચારુલતા બહેને 8 એપ્રિલે તેમની બેન્કની છ એફડી તોડાવીને રૂ. 24,00,000 ટ્રાન્સફર કર્યા હતા તથા બીજા દિવસે અન્ય બેન્કની ત્રણ એફડી તોડાવીને રૂ. 9,00,000 મળી કુલ રૂ. 33,00,000 આરટીજીએસથી મોકલી આપ્યા હતા.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક