(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 19: ઓનલાઇન દવાઓના વેચાણ અને મોટી કોર્પોરેટ કંપનીઓની
વેપાર પદ્ધતિ સામે ગુજરાત સહિત દેશભરના આશરે 12.4 લાખ કેમિસ્ટ આવતીકાલે 20મેના રોજ
હડતાલ પર ઉતરનાર છે. જો કે, એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે ઈમરજન્સી દવાઓ તમામ જગ્યાએ
ઉપલબ્ધ રહેશે. આ હડતાલના ટેકામાં પોરબંદર, બગસરા, બોટાદ સહિત સૌરાષ્ટ્રભરના કેમિસ્ટ
એસોસિએશન પણ દુકાનો બંધ રાખશે.
કેમિસ્ટોના અનુસાર ફાર્માસિસ્ટ વર્ષોથી લાયસન્સ લઈને,
કાયદાનું પાલન કરીને દુકાનો ચલાવે છે, તેમના અસ્તિત્વ સામે હવે જોખમ ઊભું થયું છે.
કોર્પોરેટ ગૃહો દ્વારા અપાતું આડેધડ ડિસ્કાઉન્ટ નાના વેપારીઓને બજારમાંથી બહાર ફેંકી
રહ્યું છે.
ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ
એસોસિયેશનના પ્રમુખ જસવંતભાઇ પટેલે જણાવ્યુ હતું કે ‘ઈ-ફાર્મસી‘ ના નામે દેશમાં દવાઓનો
વેપાર કોઈ પણ કડક નિયમો વગર ચાલી રહ્યો છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર સુરક્ષાના ધોરણો બાજુ
પર મૂકવામાં આવ્યા છે. ઘણી વેબસાઇટ્સ અને એપ્સ માન્ય ડોક્ટરના પ્રિક્રિપ્શન વગર દવાઓ
વેચી રહી છે. લોકો એક જ પ્રિક્રિપ્શનને વારંવાર અપલોડ કરીને અથવા નકલી પ્રિક્રિપ્શન
બનાવીને એવી દવાઓ મંગાવી રહ્યા છે જેનો દુરુપયોગ થઈ શકે છે. ખાસ કરીને હેવી એન્ટિબાયોટિક્સ
અને માદક દ્રવ્યો ધરાવતી દવાઓ સરળતાથી ઘરે પહોંચાડવામાં આવે છે, જે લાંબે ગાળે જનસ્વાસ્થ્ય
માટે મોટો ખતરો બની શકે છે. તેમણે ઉમેર્યું હતું કે મોટા કોર્પોરેટ ગૃહો ખોટ કરીને
પણ પાસે અઢળક ફંડ હોવાથી તેઓ ઓનલાઇન દવાઓ પર 20% થી 30% જેવું ભારે ડિસ્કાઉન્ટ આપે
છે. સામાન્ય કેમિસ્ટ જે દુકાનનું ભાડું, સ્ટાફનો પગાર અને વીજળીનું બિલ ભરે છે, તેના
માટે આટલું ડિસ્કાઉન્ટ આપવું અશક્ય છે. આ ‘ડીપ ડિસ્કાઉન્ટિગ‘ મોડલને કારણે ગામડાઓ અને
નાના શહેરોના કેમિસ્ટો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. જો પડોશની દવાની દુકાન બંધ
થઈ જશે, તો કટોકટીના સમયે રાત્રે કે તાત્કાલિક જરૂરિયાતના સમયે ઓનલાઇન ડિલિવરી કામ
આવશે નહી.
તેમણે કહ્યું કે ચાર વર્ષ પહેલા
ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્રકારના વેપાર બંધ કરાવવા માટે પત્ર લખ્યો હતો.
અમે આ અંગે અમે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલને મળીને કોર્પોરેટ કંપનીની બેલેન્સ શીટ
રજૂ કરી હતી. તે તમામ કંપનીઓને મોટી ખોટ કરી હતી. તેના કારણે નાના અને મધ્યમ વેપારીઓ
ખલાસ થઇ જશે. જેની સીધી અસર રાજ્યની જીડીપી પર પડશે.