-િવદેશ પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા કરાવવાના રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.19 ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાત સરકારે સરકારી કચેરીઓને ઈંધણ બચાવવા કડક આદેશ કર્યો છે. જે અંગે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કચેરીઓ માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમો અંતર્ગત સરકારી અધિકારીઓ માટે અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ અને જિલ્લા બહારની મુસાફરી કરવા પર પ્રતિબંધ મુકાયો છે, તેમજ બેઠકો માટે વીડિયો કોન્ફરન્સિંગ અને ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.
ઈંધણની બચત માટે એકથી વધુ ચાર્જ સંભાળતા અધિકારીઓએ વધારાના વાહનો ’સરકારી વાહન પુલ’માં જમા કરાવવા પડશે અને ઉપલબ્ધ હોય ત્યાં ઈલેક્ટ્રિક વાહનો કે જાહેર પરિવહનનો જ આગ્રહ રાખવા, તમામ સરકારી કેન્ટીનોમાં આગામી 6 મહિનામાં પીએનજી કનેક્ટિવિટી ફરજિયાત કરવા અને ખરીદીમાં સ્વદેશી તેમજ સ્થાનિક ખજખઊત ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સરકારી કામકાજ માટે પ્રવાસો ટાળી ટેલિફોન, મોબાઈલ, ઈ-મેઈલ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા,
ક્ષેત્રીય અધિકારીઓને માટિંગ માટે બોલાવવાને બદલે ’ઓનલાઈન માધ્યમ’ને પ્રાધાન્ય આપવા તાકીદ કરાઈ છે.
તેમજ વધારાના વાહનો જમા કરાવવા રહેશે. ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરી વધારાના વાહનો બિનવપરાશમાં મૂકવા. જે અધિકારી એકથી વધુ વધારાનો હવાલો સંભાળતા હોય, તેમણે એક મુખ્ય વાહન સિવાયના અન્ય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે ’સરકારી વાહન પુલ’માં જમા કરાવવાના રહેશે.
પર્યાવરણ અને ઈંધણની બચત માટે અધિકારીઓ/કર્મચારીઓએ વ્યક્તિગત ખાનગી વાહનો ટાળીને મેટ્રો, એસ.ટી. બસ, રેલવે વગેરે જેવી જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા પણ જણાવાયું છે.