• બુધવાર, 20 મે, 2026

હડકવાગ્રસ્ત શ્વાનોને મૃત્યુદંડ !

- અસાધ્ય બીમારીથી પીડાતા અને માનવજીવન માટે

જોખમી ભટકતા શ્વાનોને મારવાનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

 

નવીદિલ્હી, તા.19 રઝળતા શ્વાનોનાં પુનર્વસન અને નસબંધી સંબંધિત તા.7 નવેમ્બર 2025ના પોતાના આદેશમાં કોઈપણ ફેરફાર કરવાનો કે આદેશને પરત ખેંચવાનો સુપ્રીમ કોર્ટ તરફથી ઈન્કાર કરી દેવામાં આવ્યો છે. સાથે અદાલતે માનવ જીવન માટે જોખમી હડકવાગ્રસ્ત(રેબીઝ) કે અન્ય અસાધ્ય બીમારીથી પીડાતા શ્વાનોને ઈન્જેકશન આપીને મારવાનો પણ પ્રશાસનને નિર્દેશ આપ્યો છે.

સર્વોચ્ચ અદાલતે ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા આવારા પ્રાણીઓ અંગે જાહેર કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરાટિંગ પ્રોસિજર(એસઓપી)ની વૈધતાને પડકારતી અરજીઓ રદ કરી છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એનવી અંજારિયાની પીઠે મામલે સુનાવણી કરી હતી અને અદાલતે શૈક્ષણિક સંસ્થાઓ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, રમતગમત સંકુલો, હોસ્પિટલો વગેરે સ્થળોથી ભટકતા કૂતરાઓને દૂર કરવા અંગેના પોતાના અગાઉના આદેશોમાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યો હતો અને નસબંધી પછી કૂતરાઓને પાછા જૂના સ્થળે છોડવાનો આદેશ આપવાનો પણ ઇનકાર કર્યો હતો.

જીવદયા અને શ્વાન પ્રેમીઓ દ્વારા પોતાની અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે જાહેર સ્થળોથી આવારા કૂતરાઓને દૂર કરવાનો આદેશ ખૂબ કડક છે અને તે કૂતરાઓના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. જોકે સુપ્રીમ કોર્ટે દલીલો ફગાવીને જનહિત અને જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપી.

સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આવારા કૂતરાઓની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ લાંબા સમય સુધી કોઈ મજબૂત પ્રયાસ કર્યા નથી. અદાલતે ટિપ્પણી કરી હતી કે એનિમલ બર્થ કંટ્રોલ વ્યવસ્થા યોગ્ય રીતે અમલમાં મુકાઈ નથી અને તેની ફન્ડિંગ પણ અપૂરતી અને અસમાન છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જીવન જીવવાના અધિકારમાં પણ સામેલ છે કે લોકો કૂતરાઓના હુમલા અને ભય વિના સ્વતંત્ર રીતે જીવન જીવી શકે.

સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ આદેશ આપતાં રેબિઝગ્રસ્ત (હડકવાગ્રસ્ત) અને ગંભીર રીતે બીમાર એવા કૂતરાઓને, જે માનવજીવન માટે જોખમી હોય, તેને મારવાની મંજૂરી પણ આપી છે. અદાલતે કહ્યું હતું કે, બાળકો, મુસાફરો અને વૃદ્ધો સતત કૂતરા કરડવાની - ડોગ બાઇટની ઘટનાઓનો ભોગ બની રહ્યા છે વાસ્તવિકતા સામે આંખ મીંચી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી કે તેઓ આવારા કૂતરાઓની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ મજબૂત બનાવે.

અદાલતે કહ્યું હતું કે, પશુ જન્મ નિયંત્રણ નિયમો અને અન્ય લાગુ કાયદાકીય પ્રોટોકોલ મુજબ અસાધ્ય બીમારીથી પીડાતા, રેબીઝથી સંક્રમિત અને કોઈપણ રીતે માનવ જીવન માટે જોખમી કૂતરાઓને મારવા માટે પ્રશાસન પગલાં લઈ શકે છે.

પીઠે પણ કહ્યું છે કે હવે આવારા કૂતરાઓને ખવડાવતા લોકો એટલે કે ડોગ ફીડર્સ અને ડોગ લવર્સની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. જો કોઈ કૂતરું કોઈ વ્યક્તિને કરડે તો એવા કેસોમાં જવાબદારી માત્ર પ્રશાસનની નહીં પરંતુ કૂતરાઓની સંભાળ રાખતા અથવા તેમને ખવડાવતા લોકોની પણ ગણાશે.

ઉલ્લેખનીય છે કે, આવારા કૂતરાઓનાં નિયંત્રણ મુદ્દે ગયા વર્ષે ભારે વિવાદ થયો હતો. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને તમામ આવારા કૂતરાઓને આશ્રયસ્થળોમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના વિરોધ પછી અદાલતે પોતાના આદેશમાં ફેરફાર કરીને કૂતરાઓના રસીકરણ, સ્ટરિલાઇઝેશન અને એનિમલ બર્થ કંટ્રોલ નિયમો હેઠળ તેમને પાછા છોડવાનો આદેશ આપ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક