• બુધવાર, 24 જૂન, 2026

સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો: ગોંડલમાં દોઢ કલાકમાં સવા બે ઇંચ વરસાદ કોટડાસાંગાણીમાં પોણો ઇંચ અને સાવરકુંડલામાં ઝાપટા વરસ્યા

અસહ્ય બફારા અને ગરમીથી શેકાતા લોકોને રાહત, ગોંડલના અંડરબ્રિજમાં એસટી બસ ફસાઈ, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી

રાજકોટ, તા. 23: અસહ્ય ગરમી અને અકળાવનારા બફારા વચ્ચે આજે બપોર બાદ સૌરાષ્ટ્રના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે મિનિ વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. ગોંડલ પંથકમાં તો દોઢ કલાકમાં જ સવા બે ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. તેમજ કોટડાસંગાણી અને સાવરકુંડલામાં પણ વરસાદ વરસ્યો હતો. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.

ગોંડલ : દિવસભરના અસહ્ય બફારા અને વાદળિયા આકાશી માહોલ વચ્ચે સાંજે પાંચ કલાકે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન ફુંકાવા સાથે તોફાની વરસાદ ત્રાટકતા દોઢ કલાકમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે રાજમાર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. અને કેટલાક નિચાણવાળા માર્ગો અને વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરનાં ઉમવાડા, આશાપુરા અંડરબ્રીજ તથા રાતાનાલામાં પાણી ભરાતા ટ્રાફિક પ્રભાવીત થયો હતો. ઉમવાડા અંડરબ્રીજમાં એસટી બસ ફસાતા લોકોએ ધક્કા મારી બસને પાણી બહાર કાઢી હતી. વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હોય ખટારા સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ સહિત કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશઇ થયા હતાં. કેટલાક દિવસોથી આકરા તાપમાન અને અસહ્ય બફારા સાથે કાગડાળે વરસાદની રાહ જોતા શહેરીજનોના હૈયે ધોધમાર વરસાદથી ટાઢક વળી હતી. તાલુકાના ગુંદાળા, અનિડા, ભુણાવા, બિલીયાળા સહિત શ્રીકાર વરસાદ વરસ્યો છે.

કોટડાસાંગાણી: પંથકમાં આજે વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ગરમીમાં શેકાતા લોકોને મોટી રાહત મળી છે. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ત્યારબાદ ગાજવીજ તથા તેજ પવન સાથે વરસાદનું આગમન થયું હતું. કોટડા સાંગાણી શહેરમાં માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં 20 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

સાવરકુંડલા : શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં વાદળો છવાયા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાપટા સાથે વરસાદનું આગમન થયું હતું. જોકે વરસાદ લાંબા સમય સુધી ચાલુ રહ્યો ન હતો અને માત્ર હળવા ઝાપટાં જ નોંધાયા હતા. વરસાદને કારણે શહેરના માર્ગો થોડા સમય માટે ભીના બન્યા હતા, જ્યારે ખેડૂતો અને નાગરિકોમાં આગામી દિવસોમાં સારા વરસાદની આશા જાગી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક