• મંગળવાર, 23 જૂન, 2026

ગુજરાત STની ડિજિટલ ક્રાંતિ QR પેમેન્ટથી 112 કરોડની આવક

એક વર્ષમાં 1.03 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન; હવે 100 કિમીથી વધુ અંતરની 2,500 લોકલ ટ્રિપમાં ઓનલાઈન રિઝર્વેશનની સુવિધા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.22 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ડિજિટલ ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગથી મુસાફરી સેવાઓને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવી રહ્યું છે. નિગમ દ્વારા બસોમાં અમલમાં મૂકાયેલી ઈટીએમ ક્યુઆર કોડ પેમેન્ટ સિસ્ટમને મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. એપ્રિલ-2025થી મે-2026 દરમિયાન ક્યુઆર કોડ મારફતે 1.03 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જેના કારણે નિગમને રૂ.112.45 કરોડથી વધુની આવક થઈ છે.

કેશલેસ વ્યવહારને પ્રોત્સાહન આપતી આ સુવિધાના પરિણામે એપ્રિલ-2025માં 4.60 લાખ રહેલા ક્યુઆર ટ્રાન્ઝેક્શનનો આંકડો મે-2026માં વધીને 17.34 લાખને પાર પહોંચ્યો છે. હાલ દર મહિને સરેરાશ રૂ.19.37 કરોડની આવક ક્યુઆર પેમેન્ટ દ્વારા થઈ રહી છે. નિગમના 16 વિભાગોના 125 ડેપોમાં 10,500 નવા ઈ-બીટીએમ મશીનો ફાળવવામાં આવ્યા છે, જેના કારણે તમામ બસ સેવાઓમાં ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ બની છે.

મુસાફરોને વધુ સરળતા મળે તે માટે જીએસઆરટીસીએ હવે 100 કિલોમીટરથી વધુ અંતર કાપતી અંદાજે 2,500 લોકલ ટ્રિપને ઓનલાઈન રિઝર્વેશન પ્લેટફોર્મ સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. આથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના મુસાફરો પણ ઘરે બેઠા જ ટિકિટ બુક કરાવી શકશે. રોકડ વ્યવહાર ઘટતા વહીવટી પારદર્શિતામાં વધારો થયો છે, જ્યારે મુસાફરો અને કંડક્ટરો બંનેને સમયની બચત થઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક