• બુધવાર, 24 જૂન, 2026

નમો લક્ષ્મી-નમો સરસ્વતી યોજનાઓએ બદલ્યું દીકરીઓનું ભવિષ્ય : મુખ્યમંત્રી

વડનગરની બી.એન. હાઈસ્કૂલથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા ભૂપેન્દ્રભાઈ પટેલ : આજે દાહોદના મોટી ખારજની શાળામાં બાળકોનું નામાંકન કરાવશે

શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન, ડ્રોપ આઉટ રેશિયો 37 ટકાથી ઘટીને 1 ટકાથી પણ ઓછો થયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.23 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘શાળા પ્રવેશોત્સવ’ની 24મી કડીનો રાજ્ય વ્પાયી પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા શિક્ષણ મેળવેલી વડનગરની બી.એન. હાઈસ્કૂલથી કરાવ્યો હતો. કાર્યક્રમમાં 390 જેટલા બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દીકરીઓ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓએ સકારાત્મક પરિણામો આપ્યાં છે આ યોજનાઓ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનથી શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. એક સમયે મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ અધવચ્ચે છોડી દેતા હતા, પરંતુ સતત પ્રયાસો અને શિક્ષણ પ્રત્યેની સામૂહિક જવાબદારીના કારણે આજે શાળાઓમાં નામાંકન દર 100 ટકા સુધી પહોંચ્યો છે અને ડ્રોપઆઉટ રેશિયો 1 ટકાથી પણ ઓછો થયો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી અને શિક્ષકોના સતત પ્રયાસોના પરિણામે શાળા બહાર રહેલા બાળકોને શોધી ફરી શિક્ષણ સાથે જોડવામાં આવી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી  એકાદ-બે દિવસ ગેરહાજર રહે તો શિક્ષકો વાલીઓનો સંપર્ક કરીને બાળકની ગેરહાજરીની ચિંતા કરે છે. દરેક બાળક શાળાકીય શિક્ષણ પૂરું કરે તે માટે સરકારની સાથે વાલીઓની પણ એટલી જ જવાબદારી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓ અમલમાં મૂકી છે તેના સકારાત્મક પરિણામો ટૂંકા ગાળામાં જ મળ્યા છે. નમો લક્ષ્મી યોજના હેઠળ ધો.9થી ધો.12માં ભણતી દીકરીઓને રૂ.50 હજાર સુધીની સહાય અને નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની પ્રોત્સાહક આર્થિક સહાય આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે,  શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી દાહોદના મોટી ખરજ ગામે બાળકોનું  શાળા નામાંકન કરાવશે. આ પ્રવેશોત્સવ અંતર્ગત મોટી ખરજમાં 318 બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક