• બુધવાર, 24 જૂન, 2026

આનંદના અણસાર

બે દિવસમાં ચોમાસાનો ગુજરાત પ્રવેશ !

26 જૂને ગુજરાતમાં ચોમાસું બેસવાની પ્રબળ શક્યતા, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ‘યલો એલર્ટ’ : અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે: દરિયા કિનારે ભારે પવનની આશંકા વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા કડક ચેતવણી

રાજકોટ, અમદાવાદ તા.23: લાંબા સમયની આકરી પ્રતીક્ષા અને ગરમીથી તોબા પોકારી ગયેલી જનતા માટે આખરે આકાશી આશીર્વાદના સંકેત મળી ગયા છે. મહારાષ્ટ્ર સર કરી ચૂકેલું ચોમાસુ હવે ગુજરાતના આંગણે ટકોરા મારી રહ્યું છે. 26 જૂને ચોમાસું વિધિવત રીતે બેસી જવાની ગણતરીઓ વચ્ચે જગતનો તાત ખુશખુશાલ છે. જો કે, સુરત, વલસાડ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે વહીવટી તંત્રને અત્યારથી જ હાઈ-એલર્ટ પર મૂકી દેવાયું છે.

ગુજરાતના હવામાનને લઈને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, મહારાષ્ટ્રમાં સફળતાપૂર્વક આગળ વધ્યા બાદ ચોમાસું હવે ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, આગામી 26 જૂને ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી જવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. જેને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ અતિભારે વરસાદ ખાબકી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના અપાઈ છે.

હવામાન નિષ્ણાતોના મતે, મુંબઈથી આગળ વધેલું ચોમાસુ અને હાલમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સિસ્ટમને કારણે આગામી એક અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. વળી, આ સિસ્ટમના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે અને આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ચોમાસાનો ભવ્ય માહોલ જામશે. આ સિસ્ટમની અસર હેઠળ આગામી સમયમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આથી હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારો અને ખાસ કરીને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે કડક ચેતવણી અને સાવચેતી રાખવાની સૂચના આપી દીધી છે. બીજી તરફ, અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હાલ પૂરતો છૂટાછવાયો કે હળવો વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે આ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38થી 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક