• બુધવાર, 24 જૂન, 2026

ભેળસેળે હવે તો લોહી પીધું!

લોહી પણ નકલી  અમદાવાદમાં કેન્સરના દર્દીઓના જીવ સાથે રમત !

કેન્સરના દર્દીઓ માટેના બ્લડ પ્લાઝમામાં સલાઈન વોટર ભેળવવાનું કૌભાંડ ઝડપાયું

ચાંગોદરમાંથી સૂત્રધાર સહિત 4 શખસ 15 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા : મહારાષ્ટ્રની બ્લડ બેંકો સુધી તાર જોડાયા હોવાની આશંકા

રાજકોટ, અમદાવાદ, તા.23: પૈસાની આંધળી ભૂખમાં માનવતાની તમામ હદો વટાવીને કેન્સર જેવા ગંભીર રોગથી પીડાતા લાચાર દર્દીઓના જીવન સાથે રમત રમતી એક ટોળકીનો અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ પર્દાફાશ કર્યો છે. હોસ્પિટલના ખાટલે જિંદગી અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા ગંભીર દર્દીઓ માટે સંજીવની સમાન ગણાતા બ્લડ પ્લાઝમામાં માત્ર સલાઈન વોટર (ગ્લુકોઝ-પાણી) ભેળવીને દર્દીઓને મૃત્યુના મુખમાં ધકેલવાનું નપાવટ પાપ આચરતી ગેંગના સૂત્રધાર સહિત 4 શખસને પોલીસે ઝડપી લીધા છે. ચાંગોદરમાં ભાડાનું મકાન રાખી છેલ્લા 6 મહિનાથી ચાલતા આ કૌભાંડમાં પોલીસે 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસના તાર છેક મહારાષ્ટ્ર સુધી લંબાવ્યા છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર કૌભાંડ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે મુખ્ય આરોપી દિનેશભાઈ ઉમાભાઈ ચૌધરી, જે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં બ્લડ પ્લાઝમા કલેક્શન સંબંધિત અનુભવ ધરાવતો હતો, તે આ કૌભાંડનો સૂત્રધાર છે અને તેણે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને અસલી પ્લાઝમાં યુનિટ કાઢી તેની જગ્યાએ ભેળસેળયુક્ત પ્લાઝમા બેગ ગોઠવવાનું કાવતરું રચ્યું હતું. ચાંગોદરમાં મકાન ભાડે રાખીને ધાનેરાનો દિનેશ ચૌધરી, મહારાષ્ટ્રના મુંબઈ ખાતે રહેતો મોહન ગાયકવાડ તથા ધોળકાના રફીક ખલીફા અને જીતેન્દ્ર સોલંકી છેલ્લા છ મહિનાથી આ કૌભાંડ ચલાવતા હતા. આરોપીઓ એન્ટી-કેન્સર કંપનીના અસલી બ્લડ પ્લાઝમા ચોરી કરી, તેમાંથી પ્લાઝમા કાઢીને તેની જગ્યાએ ભેળસેળ કરેલા નકલી પ્લાઝમા ભરી દેતા હતા. ચોરાયેલા અસલી પ્લાઝ્માને તેઓ બજાર કિંમત કરતા અડધા ભાવે મહારાષ્ટ્રમાં વેચતા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.11,00,000ની કિંમતના 1150 બ્લડ પ્લાઝમા યુનિટ, એક ડીપ ફ્રીઝર, કેમિકલ બોટલ્સ, સાલિંગ મશીન, 34 ખાલી પ્લાઝમા બેગ અને ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતું એક વાહન સહિત કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ છેલ્લા છ મહિનાથી આ નેટવર્ક ચલાવતી હતી. તેઓ ડ્રાઈવર અને ખલાસીની મદદથી ટ્રાન્સપોર્ટેશન વખતે ઓરિજનલ પ્લાઝમાની બેગો કાઢી લેતા અને તેને નકલી પ્લાઝમાં જે પ્રાથમિક તપાસમાં સલાઈન વોટર જેવું હોવાનું જણાયું છે તેને બદલી નાખતા હતા. ત્યારબાદ તેઓ ચોરેલા ઓરિજનલ પ્લાઝમા બજારભાવ કરતા અડધો અડધી ઓછી કિંમતે ફરીથી બ્લડ બેન્કોમાં વેચી મારતા હતા. પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને કઈ કઈ ફાર્મા કંપનીઓમાં નકલી પ્લાઝમાનું વેચાણ કરાયું છે તેની વિગતો આરોપીઓ પાસેથી મેળવવાની તથા રિમાન્ડ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક