ચા પીવા બોલાવ્યો પછી હત્યા કરી નાંખી: રૂ. 50 હજાર રોકડા, 4 તોલા સોનાનો ચેઇન લૂંટી લીધાની શંકા
રાજકોટ,
તા.27: રાજકોટ શહેરના રૂખડિયા પરા વિસ્તારમાં એક મિત્ર દ્વારા ચા પીવાના બહાને બોલાવીને
યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક
યુવક પોતાના પિતા સાથે રહીને કલર કામનો વ્યવસાય કરતો હતો, અને બપોરે મિત્ર તેને ઘરેથી
પોતાની સાથે લઈ ગયા બાદ ચાર વાગ્યાના અરસામાં તેની લાશ શંકાસ્પદ સંજોગોમાં ઘર પાસે
ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ભારે રોષ ફેલાઈ
ગયો છે.
ઘટનાની
વિગતો મુજબ, રૂખડિયા પરામાં ચામુંડા પાનની બાજુમાં જગાભાઈના ખાડા પાસે રહેતા 23 વર્ષીય
ઉમંગ રણજીતભાઈ જાખેલીયાને તેનો પાડોશી મિત્ર નદિર જુશબભાઈ નગામણા બપોરે અઢી વાગ્યે ચા પીવાના બહાને ઘરેથી લઈ ગયો
હતો. ત્યારબાદ સાડા ચાર વાગ્યા આસપાસ આસીફ અને એક અજાણ્યો શખ્સ બાઈક પર આવીને ઉમંગની
લાશ તેના ઘર પાસે ફેંકીને નાસી છૂટયા હતા. આ બનાવની પ્રથમ જાણ મૃતકના પિતરાઈ ભાઈ વિજયભાઈને
થતા તેમણે મૃતક યુવકના માતાને જાણ કરી હતી, જેથી યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ
ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું
ડૉક્ટરોએ જાહેર કર્યું હતું.
મૃતકના
પિતા રણજીતભાઈ જાખેલિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જ્યારે યુવકના શવને ઘર
પાસે ફેંકી દેવામાં આવ્યો ત્યારે તેના ખિસ્સામાં કલર કામના 50 હજાર રોકડા અને ગળામાં
પહેરેલો 4 તોલાનો સોનાનો ચેન (જેની અંદાજિત કિંમત 5.68 લાખ થાય છે) ગાયબ હતા, જેથી
હત્યાની સાથે લૂંટ પણ ચલાવવામાં આવી હોવાનું સ્પષ્ટ થાય છે. બે ભાઈ અને બે બહેનમાં
બીજા નંબરે આવતા ઉમંગની હત્યા કરનાર આરોપી નદીર નોન્વેજનો વ્યવસાય કરે છે અને અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું અને
વિસ્તારમાં અવારનવાર માથાકૂટ કરતો હોવાનું સામે આવ્યું છે. બનાવની ગંભીરતાને ધ્યાને
લઈને પ્રદ્યુમન નગર પોલીસ મથકના પી.આઈ. એમ.ડી.મકવાણા અને ડી સ્ટાફનો કાફલો તરત જ ઘટનાસ્થળે
દોડી ગયો હતો અને મૃતકના પિતાનું નિવેદન નોંધીને ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા
માટે ચક્રો ગતિમાન કર્યા છે.