• બુધવાર, 29 જુલાઈ, 2026

ચોમાસાનો પ્રભાવ: ખરીફ વાવણીમાં તીવ્ર વધારો : તુવેરનું ખેડૂતોને આકર્ષણ એરંડાના ઉંચા ભાવ અને પાણીની સગવડ થતાં ખેડૂતો હવે વાવણી કરવા લાગ્યા

રાજકોટ, તા.27 (ફૂલછાબ ન્યૂઝ) : ચોમાસાએ છેક જુલાઇના અંત ભાગમાં પ્રભાવ બતાવતા ખરીફ પાકનું ચિત્ર હળવે હળવે સુધરી રહ્યું છે. ભલે સામાન્ય વર્ષો કરતા વાવણીની ખાધ મોટી છે પણ તે પૂરાવા લાગી છે. જુલાઇના અંતે કપાસ અને કઠોળ જેવા પાકના વાવેતર પૂરાં થઇ જતા હોય છે પણ પાછલા સપ્તાહના અંતના વરસાદ પછી હવે કિસાનો મગફળી, સોયાબીન ગવાર, એરંડા, કઠોળ સહિતના પાકના વાવેતરમાં સક્રિય થઇ ગયા છે. અલબત્ત વાવેતર ચાલુ છે એટલેજુલાઇ અંતનો આંકડો આવશે તે વધશે. હાલ કૃષિ ખાતાએ જાહેર કરેલા પાક વાવેતરના આંકડાઓમાં એક સપ્તાહમાં 10 ટકાનો વધારો થતા કુલ વાવણી સરેરાશની તુલનાએ 69 ટકા જેટલી થઇ ચૂકી છે.

કૃષિ ખાતાએ નોંધેલા આંકડાઓ પ્રમાણે 59.26 લાખ હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે. જે ગયા વર્ષે આ સમયે 65.56 લાખ હેક્ટર હતી. મેઘરાજાએ વિલંબથી આગમન કર્યું છે પણ સમયાંતરે કેટલાક સ્થળોએ બે તો ક્યાંક ત્રણ રાઉન્ડ વરસાદ પડી જતા વાવણીનું ચિત્ર સારું છે અને હાલ મોટેભાગે ઉભા પાકની સ્થિતિ પણ ઘણી સારી હોવાનું જાણવા મળે છે.

ખેડૂતો કહે છે, જ્યાં વાવેતર બાકી છે ત્યાં હવે ખેડૂતો કામકાજ કરી કહ્યા છે. એરંડાના ભાવ મણે રૂ. 1400 આસપાસ છે અને સોયાબીનમાં પણ સારો ભાવ પ્રાપ્ત થઇ રહ્યો હોવાથી ખેડૂતો રસ તે તરફ વધારે છે. જોકે કઠોળમાં પણ ઉંચા વળતર અને મુશ્કેલી વિના પાક તૈયાર થઇ જતો હોવાથી ઘણા ખેડૂતો તુવેર તરફ વળ્યા છે.

ચાલુ સપ્તાહના અંતમાં ફરીથી વરસાદના નવા રાઉન્ડની આગાહીઓ થઇ રહી છે એટલે ખેડૂતો ઝડપભેર વાવેતર આટોપી લેવામાં વ્યસ્ત છે. વરસાદ આવશે તો તમામ પાકને ફાયદો થશે.

ઇ-પેપરના નવા શુલ્ક