(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 27: છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદે પોરો ખાધો છે પરંતુ હાલમાં અપર એર સર્ક્યુલેશન,
બે મોન્સૂન ટ્રફ, સાયકોલનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન સહિત પાંચ સિસ્ટમ સક્રિય થતા
30 તારીખથી ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં
વરસાદી માહોલ વચ્ચે બાવળાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ પૂર જેવી સ્થિતિ યથાવત છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે
ફરી એક વખત રાજ્યમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે.
રાજ્યમાં
અત્યાર સુધીમાં અમદાવાદમાં 45 ટકા, દક્ષિણ ગુજરાતમાં 77.42 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં
45.22 ટકા, સૌરાષ્ટ્રમાં 43.50 ટકા, ઉત્તર ગુજરાતમાં 39.53 ટકા અને કચ્છમાં સૌથી ઓછો
18.89 ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો
હતો. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આજે સાંજે છ વાગ્યા
સુધીમાં કુલ 141 તાલુકામાં વરસાદ પડયો હતો. જેમાં 15 તાલુકાઓમાં 1થી 2 ઇંચ જેટલો વરસાદ
પડયો હતો. જેમાં દાહોદના લીમખેડામાં 2 ઇંચ, ખેડાના મહેમદાબાદમાં 1.66, બનાસકાંઠના અમીરગઢમાં
1.68, બનાસકાંઠાના પાલનપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડયો હતો.