બાવળા પાસે પૂરનાં કારણે બંધ કરાયેલો માર્ગ શરૂ, વાહનવ્યવહાર સામાન્ય બન્યો
મુસાફરોને સાવચેતી રાખવા, ગતિમર્યાદાનું
પાલન કરવા અને માર્ગ પર મળતી સૂચનાઓનું પાલન કરવા પોલીસની અપીલ
સુરત જિલ્લામાં નુકસાન પામેલા
284માંથી 192 રસ્તા ફરી શરૂ કરતા 182 ગામનું સંપર્ક જોડાણ પુન:સ્થાપિત થયું
રાજકોટ, તા.26 : ભારે વરસાદ અને
પૂરનાં કારણે બંધ કરવામાં આવેલો રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇ વે હવે ફરીથી વાહનચાલકો માટે
ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. બાવળા નજીક પાણી ભરાઈ જતાં 24 જુલાઈના બપોરે 1:30 વાગ્યે
હાઇ વે પર વાહનવ્યવહાર રોકી ધોળકા એક્સપ્રેસ-વે તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો
હતો. તંત્રની સતત કામગીરી બાદ અંદાજે 50 કલાક પછી હાઇ વે ફરી શરૂ કરવામાં આવ્યો છે.
પૂરનાં કારણે અસરગ્રસ્ત થયેલો
સાણથલ-બગોદરા હાઇ વે હવે સંપૂર્ણપણે મોટરેબલ બની ગયો છે. માર્ગ પરથી પાણી દૂર થયા બાદ
જરૂરી મરામત અને ચકાસણી પૂર્ણ કરીને વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી છે. પોલીસ વિભાગે
મુસાફરોને સાવચેતી રાખવા, ગતિમર્યાદાનું પાલન કરવા અને માર્ગ પર મળતી સૂચનાઓનું પાલન
કરવા અપીલ કરી છે. કોઈપણ મુશ્કેલી સમયે 112 નંબર પર સંપર્ક કરવા પણ જણાવાયું છે.
ભારે વરસાદથી પ્રભાવિત દક્ષિણ
ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરત જિલ્લામાં વરસાદનાં કારણે નુકસાન પામેલા 284 રસ્તાઓમાંથી 192 રસ્તાઓ ફરી શરૂ કરી
દેવામાં આવ્યા છે. આ કામગીરીથી 182 ગામનું સંપર્ક જોડાણ પુન:સ્થાપિત થયું છે. રસ્તાઓને
ઝડપથી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે દક્ષિણ ગુજરાતમાં 145 અને સુરત જિલ્લામાં 107 ટીમો
સતત કાર્યરત છે. શહેરમાં અગાઉ બંધ કરાયેલા 24 રસ્તાઓમાંથી 23 રસ્તા પરથી જેસીબી, ડમ્પર
અને પેવર જેવી મશીનરીની મદદથી કાદવ, કીચડ અને નુકસાન દૂર કરી ફરી વાહનવ્યવહાર માટે
ખુલ્લા મૂકવામાં આવ્યા છે. માત્ર કોઝ વે સર્કલ નજીકનો માર્ગ હજુ પાણી સંપૂર્ણપણે ઉતર્યા
બાદ શરૂ કરવામાં આવશે.