જામનગર, તા. 13 : જામનગરની સરકારી ડેન્ટલ કોલેજની રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી ડીનની સહીઓ ધરાવતા 15 ચેક મારફતે આશરે 1.36 કરોડ રૂપિયા ઉપાડી લેવાના પ્રકરણમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તપાસ સમિતિની રચના કરી છે. ક્લાર્ક દ્વારા આ રકમ પોતાનાં ખાતામાં મેળવીને અન્યત્ર ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી, જેને લઈને રાજ્યભરમાં ચર્ચા જાગી છે.
આ કેસમાં
આરોપીની જામીન અરજી ફગાવતી વખતે જામનગરની સેશન્સ અદાલતે ડેન્ટલ કોલેજના ડીન ડૉ. નયનાબેન
પટેલની ભૂમિકા સામે શંકા વ્યક્ત કરી હતી. કોર્ટે ડીનને કથિત રીતે રક્ષણ આપવા બદલ ત્રણ
પોલીસ અધિકારીઓ - પીએસઆઇ એસ. જી. કેશવાલા, આર. કે. ખલીફા અને આર. બી. ઠાકોર સામે પણ
ગંભીર ટિપ્પણીઓ કરી હતી. સેશન્સ કોર્ટના આદેશ અનુસાર, ડીજીપી કચેરી મારફતે રાજ્યના
આરોગ્ય અને ગૃહ વિભાગના સચિવોને હુકમની નકલ મોકલવામાં આવી હતી.
જિલ્લા
સરકારી વકીલ જમન કે. ભંડેરી દ્વારા આ નકલો પહોંચાડવામાં આવ્યા બાદ હવે આરોગ્ય વિભાગ
દ્વારા ડેન્ટલ કોલેજના ડીનનો જવાબ લેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. બીજી તરફ, ગૃહ
વિભાગ દ્વારા પણ ત્રણેય પીએસઆઇની શંકાસ્પદ ભૂમિકા અંગે તપાસ હાથ ધરીને જવાબ માગવામાં
આવી શકે છે. આ મામલાની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે આરોપી ક્લાર્કના કબૂલાતના વીડિયો
રેકોર્ડિંગ સહિતના મજબૂત પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા અને સુરતથી અન્ય એક આરોપી પણ
ઝડપાયો હોવાની વિગતો સામે આવી હતી. હાલ ભલે પોલીસ તપાસમાં ડીનની સીધી સંડોવણી સાબિત
થઈ ન હોય પરંતુ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રચાયેલી નવી તપાસ સમિતિની કાર્યવાહી અને
તેના અંતિમ અહેવાલ બાદ આ સમગ્ર પ્રકરણમાં મોટા ખુલાસા થવાની પૂરી સંભાવના છે.