કર્મચારી રાજ્ય વીમા
નિગમ-ગુજરાત
સાથે 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓના કરાર
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.13: ઈએસઆઈસી હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો તથા તેમના આશ્રિત લાભાર્થીઓને ‘ટર્સરી
કેર’ અને ‘સુપર સ્પેશિયાલિટી’ સારવાર ઉપલબ્ધ કરાવવા 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે સમજૂતી
કરાર કરવામાં આવ્યા છે. આ પહેલથી હવે રાજ્યમાં ઈએસઆઈસી હેઠળ નોંધાયેલા શ્રમિકો અને
તેમના પરિવારને જરૂરિયાત મુજબ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર
ઉપલબ્ધ થશે.
ગાંધીનગર
ખાતે યોજાયેલા આ કરાર એક્સચેન્જ બાદ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું
હતું કે, સ્વસ્થ શ્રમિક જ મજબૂત અર્થતંત્ર અને રાષ્ટ્રનિર્માણનો આધાર છે. જેથી, શ્રમિકોને
ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવતી આ પહેલ લાખો શ્રમિક પરિવારો માટે મજબૂત
આરોગ્ય સુરક્ષા કવચ તેમજ મોટી આર્થિક રાહતનું માધ્યમ બનશે.
શ્રમ,
કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સંયુક્ત સચિવ તેજસ સોનીએ જણાવ્યું હતું કે, રાજ્યના
સંગઠિત, અસંગઠિત અને ખેતમજૂરો સહિત સવા કરોડથી વધુ શ્રમિકોના સામાજિક-આર્થિક ઉત્થાન
માટે રાજ્ય સરકાર સતત કામગીરી કરી રહી છે. ગુજરાત હંમેશાં નવીન અને શ્રમિકલક્ષી પહેલ
કરવામાં દેશ માટે મોડેલ સ્ટેટ રહ્યું છે. શ્રમિકોના સુદૃઢ સ્વાસ્થ્ય માટે કરવામાં આવેલા
આ કરાર સમગ્ર રાજ્યમાં ઊજઈંઈના આરોગ્ય નેટવર્કને વધુ મજબૂત બનાવશે.
ઈએસઆઈસીના
પ્રાદેશિક નિયામક હેમંતકુમાર પાંડેએ કહ્યું હતું કે, તાજેતરના આ 6 સહિત અગાઉ 26 કરાર
પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં 13 સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ
થાય છે. આ નેટવર્કમાં રાજ્યની અગ્રણી તબીબી સંસ્થાઓ જેવી કે યુ.એન. મહેતા ઇન્સ્ટિટયૂટ
ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, જીએમઇઆરએસ હોસ્પિટલ્સ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ
ઇન્સ્ટિટયૂટ (જીસીઆરઆઈ), ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અને એઇમ્સ
રાજકોટ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
સમગ્ર ગુજરાતમાં વધુ 45 હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ
સાથે કરારની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, જેના પૂર્ણ થયા બાદ ઈએસઆઈસીના લાભાર્થીઓ
માટે આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા વધુ સુદૃઢ બનશે.