રાજકોટ,તા. 10 : (ફૂલછાબ ન્યૂઝ) મગફળીના ઉત્પાદન માટેનો નવો અંદાજ બહાર આવ્યો છે. ઇન્ડિયન ઓઇલસીડઝ પ્રોડ્યૂસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 31.97 લાખ ટન થશે તેવો અંદાજ વ્યક્ત થયો છે. જે ગયા વર્ષના 41.36 લાખ ટન કરતા 22 ટકા ઓછો રહેશે તેમ સંસ્થાએ કહ્યું છે.
સંસ્થાની બેઠક થાઇલેન્ડના ફૂકેટમાં
મળી હતી એમાં અંતિમ દિવસે પાકનો અંદાજ વ્યક્ત થયો હતો. જેમાં ગુજરાતમાં હેક્ટરદીઠ ઉતારો
અનિયમિત વરસાદને લીધે 17 ટકા જેટલો ઘટ્યો હોવાનું કહ્યું હતુ. વાવેતર વિસ્તાર 6 ટકા
જેટલો ઘટ્યો હતો. ગુજરાતમાં 31.97 લાખ ટન મળીને ભારતભરમાં કુલ 66.94 લાખ ટન મગફળી પાકશે
તેવો અંદાજ આ બેઠકમાં વ્યક્ત થયો હતો. ભારતભરમાં વાવેતર 2 ટકા જેટલું વધેલું હતુ. જોકે
હેક્ટર દીઠ ઉતારો 19 ટકા ઘટી ગયો હતો. આમ છતાં
દેશભમાં સૌથી વધારે ઉતારો ગુજરાતમાં અને સૌથી ઓછો ઉતારો આંધ્રપ્રદેશમાં આવશે તેમ સંસ્થાના
વૈજ્ઞાનિક ઢબે થયેલા સર્વેમાં જણાયું હતુ.
સંસ્થા દ્વારા તલના ઉત્પાદનનો
અંદાજ પણ બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તલનું ઉત્પાદન ગયાવર્ષના 50,462 ટન
સામે 1.01 લાખ ટન થશે તેવી ધારણા વ્યક્ત થઇ છે. ગુજરાત સૌથી ઓછાં વાવેતર અને ઉત્પાદન
સાથે છેલ્લાં ક્રમાંકે રહ્યું છે. ગુજરાતમાં તલનું વાવેત 45 ટકા જેવું કપાઇ જતા ઉત્પાદન
ફક્ત 3 હજાર ટન થવાનો અંદાજ છે. ઉત્તરપ્રદેશમાં મોસમનો સાથ મળવાને લીધે 27,087 ટન ઉત્પાદન
મળશે. જોકે હેક્ટર દીઠ ઉતારો સૌથી ઓછો 96 કિલો મળશે. તેની સામે ગુજરાતમાં 179 કિલો
અને રાજસ્થાનમાં 231 કિલો ઉતારો મળશે. મધ્યપ્રદેશમાં 17,625 ટન ઉત્પાદન મળશે, જ્યારે
રાજસ્થાનમાં 40,252 ટનનો પાક આવવાની ધારણા છે.