આજે છત્તીસગઢ સામે ટકરાશે ઉનડકટ બ્રિગેડ
જાડેજાની
વાપસી બાદ સૌરાષ્ટ્રનું બાલિંગ આક્રમણ વધુ ધારદાર
રાજકોટ,
તા.10: રણજી ટ્રોફી સત્રમાં રાષ્ટ્રીય ખિતાબ પુન:પ્રાપ્ત કરવાના મિશનની શરૂઆત સૌરાષ્ટ્રની
ટીમ પોતાના ઘરઆંગણેથી કરવા જઈ રહી છે. સુકાની જયદેવ ઉનડકટની આગેવાની હેઠળની સૌરાષ્ટ્રની
ટીમ 11 ઓક્ટોબરથી શરૂ થનારા એલિટ ગ્રૂપ ’બી’ના પોતાના પ્રથમ મુકાબલામાં રાજકોટના નિરંજન
શાહ સ્ટેડિયમ ખાતે છત્તીસગઢ સામે મેદાનમાં ઉતરશે. ગત સિઝનમાં ગ્રૂપ તબક્કેથી જ બહાર
થઈ જવાની કડવી યાદોને ભુલાવીને આ વખતે ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ અને પરિચિત પરિસ્થિતિઓનો
મહત્તમ લાભ ઉઠાવી વિજયી પ્રારંભ કરવા માટે ઉત્સુક છે.
આ મુકાબલો
રાજકોટના ક્રિકેટપ્રેમીઓ માટે વિશેષ રોમાંચ લઈને આવશે, કારણ કે ટીમ ઈન્ડિયાના સ્ટાર
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સફેદ જર્સીમાં રણજી ટ્રોફી મેચ ક્રિકેટ રમતા નજરે પડશે.
ન્યૂઝીલેન્ડ સામેની આગામી બે ટેસ્ટ મેચોની મહત્ત્વપૂર્ણ શ્રેણી પૂર્વે જાડેજા માટે
નિરંજન શાહ સ્ટેડિયમની પરિચિત પિચ પર પોતાની બાલિંગ અને બાટિંગની લય પુન: મેળવવાની
આ ઉત્તમ તક છે. સ્થાનિક પરિસ્થિતિઓમાં જાડેજા અને ઉનડકટની જોડી સૌરાષ્ટ્રના બાલિંગ
આક્રમણને ધારદાર બનાવશે.
આ મેચમાં
સૌથી રસપ્રદ બાબત બંને ટીમો વચ્ચેનો મનોવૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક મુકાબલો રહેશે. સૌરાષ્ટ્રના
પૂર્વ અગ્રણી ડાબોડી સ્પિનર ધર્મેન્દ્રાસિંહ જાડેજા આ વખતે છત્તીસગઢ તરફથી પોતાના જૂના
સાથીઓ સામે બાલિંગ કરતા જોવા મળશે. વર્ષો સુધી સૌરાષ્ટ્રને અનેક યાદગાર વિજય અપાવનાર
ધર્મેન્દ્રાસિંહ પિચના મિજાજથી પૂરેપૂરા વાકેફ છે, જેથી યજમાન ટીમના બેટરો સામે તેમનો
સામનો ભારે રોચક બનશે. બીજી તરફ, કેપ્ટન ઉનડકટ, ચેતન સાકરિયા અને ચિરાગ જાનીની પેસ
ત્રિપુટી નવી બોલથી પ્રારંભિક ઝટકા આપી છત્તીસગઢ પર દબાણ બનાવવાનો પ્રયાસ કરશે. સૌરાષ્ટ્રની
નજર આ મુકાબલામાં બોનસ પોઈન્ટ્સ સાથે વિજય મેળવીને પોતાના અભિયાનનું જોરદાર બ્યુગલ
ફૂંકવા પર રહેશે.
નોંધનીય
છે કે, આ સિઝનમાં દેશભરની કુલ 38 ટીમો ખિતાબ જીતવાના મક્કમ ઈરાદા સાથે મેદાનમાં ઉતરી
રહી છે, જેમાં પ્રથમ રાઉન્ડ અંતર્ગત વિવિધ સ્થળોએ એકસાથે 19 હાઈ-વોલ્ટેજ મુકાબલાઓ રમાશે.
આ સિઝનની સૌથી મોટી વિશેષતા ટીમ ઈન્ડિયાના સ્થાપિત અને અગ્રણી સ્ટાર ખેલાડીઓની ઘરેલુ
ક્રિકેટમાં સક્રિય ભાગીદારી છે. કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને સરફરાઝ
ખાન સહિત અનેક ભારતીય સ્ટાર ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં તેમની સ્થાનિક ટીમો તરફથી રમશે.