• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

સીજેપીનું આંદોલન, સરકારનો સકંજો

-40 હજાર જેટલા જવાનોનો સંગીન પહેરો

-7000 કાર્યકર્તાઓની અટકાયત

-અભિજીત, સૌરવદાસને વિમાનમાંથી જ ઝડપી લેવાયા

-હવે અજિંક્ય શિંદેના હાથમાં સીજેપીનું સુકાન

નવી દિલ્હી, તા. 10 : દેશના ચૂંટણીપંચના વડા જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ સાથે શનિવારે રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ જંતરમંતર પર બીજા દોરનું ઉગ્ર આંદોલન છેડવા સવારથી કમર કસી હતી, હ હજારોની સંખ્યામાં ઉગ્ર સુત્રોચ્ચાર સાથે યુવાનો એકઠા થયા હતાં દિલ્હી જાણે જામ થઈ ગયું હતું. જુવાન કાર્યકર્તાઓનો જુસ્સો બહુ હતો પરંતુ ચૂસ્તબંદોબસ્તનો સકંજો પોલીસે બરાબર કસ્યો તેથી અનિચ્છનીય ઘટના બની ન હતી. અમદાવાદ સહીત દેશના અન્ય શહેરોમાંથી પણ ધરણા પ્રદર્શનોના અહેવાલ મળી રહ્યાં છે.

દિલ્હીમાં કંઈક થશે તો તેવો ભય સતત હતો. પરંતુ ચોમેર તૈનાત 40 હજાર જેટલા જવાનોએ સીજેપી નેતાઓ, ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત સાત હજારથી વધુ પ્રદર્શનકારીઓની અધવચ્ચે જ અટક કરી લીધી હતી, જેના કારણે જંતરમંતર પર કોકરોચ પાર્ટી દેખાવકાર સમુદાયને એકઠો કરી શકી નહોતી. કોંગ્રેસ સહિત વિપક્ષો તેમજ સીજેપી નેતાઓએ એકીઅવાજે આ પગલાંનો વિરોધ કરતાં કહ્યું હતું કે, આ તો કટોકટી કરતાં પણ ખરાબ સ્થિતિ છે અને કેન્દ્ર સરકાર ડરી ગઈ છે.

સુપ્રીમ કોર્ટે આવતીકાલે રવિવારે મેટ્રો ટ્રેન સેવાઓ પર પૂર્ણ રોક નહીં મૂકવાના આદેશની અવગણના બદલ અધિકારીઓ સામે અદાલતની અવહેલનાની કાર્યવાહીની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે.

સીજેપી સ્થાપક અભિજિત દીપકે, સૌરવ દાસ, આશુતોષ રાંકાની તો સવારે જ વિમાનમાંથી જ અટક કરી લેવાઈ હતી.

ત્યારબાદ સીજેપીનું સુકાન સંભાળનાર અજિંક્ય શિંદેએ એલાન કર્યું હતું કે, આ લડાઈ લાંબી ચાલશે. આવતીકાલે રવિવારે ફરી સીજેપી જંતરમંતર તરફ કૂચ કરશે.

સીજેપીના ત્રણ નેતાઓ તેમજ યુ-ટયુબર ધ્રુવ રાઠીની અટક કરાઈ હતી. ત્યારબાદ ચાર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, માણિક સરકાર અને પિનરાઈ વિજયનની પણ સુરક્ષા દળના જવાનોએ અટક કરી હતી. કેજરીવાલને તો ટીંગાટોળી કરીને જવાનો લઈ ગયા હતા.

સીપીઆઈ (એમ) મહામંત્રી એમ.એ. બેબી, ડાબેરી નેતા વૃંદા કરણ, એક્ટિવિસ્ટ યોગેન્દ્ર યાદવ, વકીલ પ્રશાંત ભૂષણ, અખિલ ભારત છાત્ર સંગઠન નેહા બોરાની પણ અટક કરાઈ હતી.

મુંબઈથી રવાના થયા પછી દિલ્હીમાં વિમાન ઊતરતાંની સાથે જ દિલ્હી પોલીસે અટક કરતાં દીપકેએ એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, અમે કોઈ અપરાધી હોઈએ તેમ પકડી લીધા છે.

દિલ્હીમાં લુટિયન્સ સહિત વિસ્તારોમાં ભારે ભરખમ બેરિકેડ અને હજારો જવાનોની તૈનાતી કરી પ્રદર્શનકારીઓને જંતરમંતર પર પહોંચવા નહોતા દેવાયા

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વીડિયો જારી કરીને કહ્યું હતું કે, પ્રદર્શન જારી રખાશે. આપણે દેશ બદલશું. કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, સરકારને સત્ય સામે આવી જવાનો ડર છે.

બીજી તરફ મુંબઈમાં ઓગસ્ટ ક્રાંતિ મેદાન પર સીજેપીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા 400 દેખાવકારોની અટક કરાઈ હતી. એ જ રીતે પૂણેમાં પણ તુષાર ગાંધી, 100 પ્રદર્શનકારીઓને પકડી લેવાયા હતા.

જનસુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, દિલ્હીના માર્ગો પર 40 હજાર જેટલા જવાનો ઉતારી દેવાયા છે. તેના પરથી જ દેખાય છે કે સરકાર આંદોલનથી કેટલી ડરી ગઈ છે.

 સંયુક્ત રાષ્ટ્રએ પણ આ કાર્યવાહી પર ચિંતા વ્યકત કરતાં તમામ પ્રદર્શનકારીને તરત મુક્ત કરી દેવાની માંગ કરી હતી.

દીપકેની ધરપકડ બાદ હવે સીજેપીનું સુકાન અજિંક્યના હાથમાં

કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનથી પહેલાં અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની દિલ્હી હવાઇ મથકેથી ધરપકડ કરાઇ છે. દીપકેએ એક જાહેર કરેલા વીડિયોમાં કહ્યું હતું કે, અમારી ગેરહાજરીમાં અજિંકય શિંદે વિરોધ પ્રદર્શન અને સીજેપી આંદોલનનું નેતૃત્વ કરશે. કૃપા કરીને તેમને સમર્થન આપજો.

અજિંકય શિંદેએ સમર્થકોને જંતરમંતર તરફ આગળ વધવાની અપીલ કરતાં કહ્યું હતું કે, જ્યાં પણ તેમને રોકવામાં આવે ત્યાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દે. તેમણે કહ્યું હતું કે, સરકાર આપણી એકતાથી ડરે છે. બધા જંતરમંતર પહોંચો અને જો પોલીસ તમને રસ્તામાં રોકે તો તે સ્થળને જ જંતરમંતર બનાવી દેજો.

35 વર્ષીય અજિંકય શિંદેએ મહારાષ્ટ્રમાં કોમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએશન કર્યું છે. પછી પૂનાની એક આઇ.ટી. કંપનીમાં કામ કર્યું છે અને બાદમાં આમ આદમી પાર્ટીમાં કાર્યકર તરીકે જોડાયા છે. એક હેવાલ મુજબ અજિંકય શિંદેના માતા-પિતા અલીબાગમાં ખેડૂત હતા અને પછી લાતુરમાં સ્થાયી થયા હતા.

અજિંકય કેટલાય વર્ષોથી દીપકેના નજીકના સહયોગી છે. દીપકેને તેઓ 2016માં પહેલી વખત મળ્યા હતા. ત્યારથી સાથે કામ કરે છે. ત્યારબાદ તેઓ આપની મહારાષ્ટ્ર ટીમમાં જોડાયા હતા. તેમાં તેઓએ સોશિયલ મીડિયા કો-ઓર્ડિનેટર અને મહારાષ્ટ્ર યૂથ વિંગના કન્વીનર તરીકે કામ કર્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક