સરકાર સાથેની બેઠકમાં પડતર પ્રશ્નોના ઉકેલની ખાતરી મળતાં મહામંડળે લીધો નિર્ણય
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.9 : નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓના વિવિધ
પડતર પ્રશ્નોને લઈને ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકાર સાથે ઉચ્ચ
સ્તરીય બેઠકમાં સકારાત્મક ચર્ચા અને માંગણીઓના નિરાકરણની ખાતરી મળતાં ગુજરાત રાજ્ય
મહેસૂલી કર્મચારી મહામંડળે આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરી છે.
ગાંધીનગર
ખાતે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયાસિંહ મહીડાની અધ્યક્ષતામાં
બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતિ રવિ સહિતના ઉચ્ચ
અધિકારીઓ અને મહામંડળના પ્રમુખ જામસંગ પરમાર સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બંને પક્ષો વચ્ચે કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સાનુકૂળ વાતાવરણમાં ચર્ચા કરવામાં
આવી હતી.
બેઠક
બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કર્મચારીઓના પ્રશ્નો
પ્રત્યે ઉદાર અને સહાનુભૂતિપૂર્ણ અભિગમ ધરાવે છે. કર્મચારીઓની વ્યાજબી માગણીઓનો ઝડપથી
ઉકેલ લાવવા સરકાર હકારાત્મક છે. સાથે જ સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે
પણ સરકાર પ્રતિબદ્ધ છે. મહેસૂલ રાજ્ય મંત્રી સંજયાસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, કર્મચારીઓના
પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા અને પ્રજાના હિતનું રક્ષણ કરવા સરકાર દ્વારા સકારાત્મક
વાટાઘાટો કરવામાં આવી છે. મહામંડળના પ્રમુખ જામસંગ પરમારે જણાવ્યું હતું કે, સરકાર
દ્વારા માગણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવી નિરાકરણની ખાતરી આપવામાં આવી છે. આથી મહામંડળે
આંદોલન સમેટવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સરકારી મહેસૂલી કામગીરીમાં રાહત મળવાની
આશા છે.