• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

ગોંડલમાં બે માસુમ પુત્રને પિતાએ ઝેરી દવા પીવડાવી હત્યા કર્યાનું ખૂલ્યું બન્ને સંતાન તેના ન હોવાની શંકાએ પત્નીને છૂટાછેડા આપી દીધા’તા

(ફૂલછાબ ન્યુઝ)

ગોંડલ, તા.17: વોરા કોટડા રોડ પરના વિસ્તારમાં રહેતા યુવાને તેના બે પુત્રને તેના સંતાન નહીં હોવાની શંકાએ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ ઝેરી દવા પીવડાવી હત્યા કરી નાખ્યાનું ખૂલ્યું હતું. પોલીસે પ્રથમથી જ શંકાના દાયરામાં રહેતા પિતાની આકરી પૂછતાછ કરતા બન્ને બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, વોરા કોટડા રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતા રાજેશ પ્રેમજી મકવાણા નામના યુવાનના બે પુત્ર રોહિત અને હરેશ પરમ દિવસે ન્યાજમાં ભોજન લીધા બાદ ઘેર આવ્યા હતા અને બાદમાં બન્ને બાળકને ઉલટીઓ થતાં પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં બન્ને બાળકનાં મૃત્યુ નીપજ્યાં હતાં.

આ મામલે ડીવાય.એસ.પી. ઝાલા તથા એલસીબી પીઆઇ વી. વી. ઓડેદરા સહિતનો સ્ટાફ દોડી ગયા હતા અને હાથ ધરેલી તપાસમાં છૂટક મજૂરી કામ કરતા રાજેશ મકવાણા તેના બે પુત્ર સાથે દરગાહે ગયો હતો ત્યારે ન્યાજમાં ભોજન લીધું હતું. અન્ય લોકોએ પણ ભોજન લીધું હોય અને કોઈને કોઈપણ પ્રકારની અસર થઈ ન હોય રાજેશ મકવાણા શંકાના દાયરામાં આવ્યો હતો અને પોલીસે બન્ને બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતા ઝેરી અસર  આવતા હત્યાની શંકા વધુ દ્રઢ બની હતી.

દરમિયાન પોલીસે રાજેશ મકવાણાની આકરી પૂછતાછ કરતા ભાંગી પડયો હતો અને બન્ને બાળકને ઘેર ઝેરી દવા પીવડાવી દીધાની કબૂલાત આપી હતી. પોલીસની વધુ તપાસમાં રાજેશ મકવાણા તેની પત્ની હીરલબેન પર શંકા કરતો હતો અને થોડા સમય પહેલાં જ છૂટાછેડા લીધા હતા અને બન્ને સંતાનો તેના ન હોવાની શંકાએ માસુમ બાળકની હત્યા કરી નાખ્યાનું ખૂલ્યું હતું. પોલીસે રાજેશ પ્રેમજી મકવાણા વિરુદ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.