અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે લાભાર્થીઓને લાભ એનાયત કરાયા: ગુજરાતના 2 લાખ સહિત દેશમાં 20 લાખ પારંપારિક શ્રમયોગીઓને લાભ મળશે
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.17: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને ‘િવશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું હતું. પોતાનાં આ વચનને પરિપૂર્ણ કરતા વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કુશળ પારંપારિક શ્રમયોગી વ્યવસાયકારો માટેની ‘પીએમ વિશ્વકર્મા’ યોજનાનો દિલ્હી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.
પીએમ વિશ્વકર્મા યોજનાના શુભારંભ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદથી સહભાગી થયા હતા. ગુજરાતમાં મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતેથી લાભાર્થીઓને લાભ એનાયત કરીને આ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉદ્યોગમંત્રી બલવંતાસિંહ રાજપૂત તથા સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, હરીફાઈના આજના યુગમાં નાના કારીગરોને તાલીમ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટ માટેનું એક આખું મિકેનિઝમ ઊભું કરનારી આગવી યોજના બની રહેશે. આ યોજનાનો લાભ ગુજરાતના 2 લાખ જેટલા નાના-મોટા કારીગરોને મળશે. એટલું જ નહીં, દેશમાં અંદાજિત 20 લાખ લોકો યોજનાથી લાભાન્વિત થશે. આ યોજનાના અમલીકરણ માટે આવનારાં 5 વર્ષોમાં 13 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
સુથાર, લુહાર, સોનાર, રમકડાં બનાવનાર, વણનાર, ચણતરકામ કરનાર, હોડી બનાવનાર, કુંભાર, હથોડી બનાવનાર, શિલ્પકાર, ચર્મકાર, રામી, બખ્તર બનાવનાર, તાળાં બનાવનાર, વાળંદ, માછલી પકડનાર, ધોબી, દરજી જેવા કુલ 18 પ્રકારના વ્યવસાયકારો આ યોજનાનો લાભ મેળવીને ખરાં અર્થમાં આત્મનિર્ભર બનશે અને ‘અન ટુ ધ લાસ્ટ’ એટલે કે અંત્યોદયનો વિકાસ થશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા 18 વર્ષ કે તેથી વધુ વયના વિવિધ 18 જેટલા વ્યવસાયો સાથે સંકળાયેલા કુશળ કારીગરોને પ્રથમ તબક્કામાં રૂ.1 લાખ સુધીની લોન રાહત દરે 18 મહિનાના સમયગાળા પર આપવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કાની રૂ.2 લાખ સુધીની લોન રાહત દરે 30 મહિનાના સમયગાળા પર આપવામાં આવશે.