ધનતેરસ-દિવાળી
પહેલાં જ ઉઠમણાની ચર્ચાથી ખળભળાટ : આંકડો રૂ.45 થી 50 કરોડ સુધી પહોંચ્યાની અટકળો
રાજકોટ,
તા.28: રાજકોટના સોનીબજારમાં ધનતેરસ અને દિવાળીના તહેવારોની ખરીદીની તૈયારીઓ વચ્ચે
બુલીયનના એક વેપારીના ઉઠમણાની ચર્ચાએ ભારે ખળભળાટ મચાવ્યો છે. પ્રાથમિક ચર્ચા મુજબ
રૂ.8થી 10 કરોડની રકમ ફસાઈ હોવાની વાત સામે આવી છે, જ્યારે બજારમાં આ આંકડો રૂ.45 કરોડ
સુધી પહોંચ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. મામલો પોલીસ સુધી પહોંચતાં વેપારી આલમમાં
ચિંતા પ્રસરી છે.
સોનીબજારના
ઘીધિવાડ વિસ્તારમાં દુકાન ધરાવતા આ વેપારી સોનાના બિસ્કિટના વ્યવસાય સાથે સંકળાયેલા
હોવાનું જાણવા મળે છે. વેપારીનો એકાદ દિવસથી સંપર્ક થઈ શકતો ન હોવાની અને તેમણે લેણદારોને
નાણાં ચૂકવવામાં અસમર્થતા દર્શાવી હોવાની ચર્ચા છે.
અગાઉ
પણ તેઓ નાણાકીય મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ તે વખતે વ્યવહારોનું સમાધાન થઈ ગયું
હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. આ વખતે રકમ મોટી હોવાની ચર્ચાથી લેણદારોમાં દોડધામ
મચી
છે.
વેપારીના
ઉઠમણાની વાત ફેલાતાં સોશિયલ મીડિયામાં પણ સંદેશાઓ ફરતા થયા હતા. પરિણામે સોનાના વ્યવસાય
સાથે સંકળાયેલા વેપારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ગધીવાડમાં ખાઉગલી આસપાસ દુકાન
ધરાવતા આ વેપારીએ અગાઉ જાણીતા જવેલર્સ પાસે નોકરી કર્યા બાદ પોતાનો વ્યવસાય શરૂ કર્યો
હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
પોલીસમાં
લેખિત અરજી
સૂત્રોના
જણાવ્યા અનુસાર, કથિત છેતરાપિંડીનો ભોગ બનેલા એકાદ-બે વેપારીઓએ પોલીસનું ધ્યાન દોરી
લેખિત અરજી આપી છે. એ ડિવિઝન પોલીસ દ્વારા અરજદારોનાં નિવેદનો લઈ વિગતો એકત્ર કરવાની
કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તપાસમાં હકીકતો સામે આવ્યા બાદ ગુનો
નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
રૂ.45
કરોડની ચર્ચાથી ચિંતા
પોલીસ
સૂત્રોના જણાવ્યા મુજબ અરજીઓમાં રૂ.8થી 10 કરોડની રકમનો ઉલ્લેખ છે, જ્યારે સોનીબજારમાં
રૂ.45 કરોડ સુધીના વ્યવહારો ફસાયા હોવાની ચર્ચા છે. અન્ય વેપારીઓ પણ ફરિયાદ નોંધાવે
તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.