• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

ભાવનગરમાં ‘બાડા’નો પ્લાનિંગ આસિસ્ટન્ટ 9 લાખની લાંચ લેતા ઝડપાયો

જમીનને બિનખેતીમાં ફેરવવા માટેની મંજૂરી આપવાના બદલામાં લાંચની માગણી કરી હતી

ભાવનગર તા. 28: ભાવનગર નજીક આવેલા શામપરા સિદસર ગામની જમીનને બિનખેતીમાં ફેરવવા માટેની મંજૂરી આપવાના બદલામાં રૂ.15 લાખની લાંચ માગનાર અને અંતે રૂ. 12 લાખમાં સોદો નક્કી કરનાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (‘બાડા’)ના આઉટસોર્સિંગ પ્લાનિંગ આસિસ્ટન્ટ મિતુલ જગદીશભાઈ પાનસીણિયાને એન્ટિ કરપ્શન બ્યુરોની ટીમે રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના શામપરા સિદસર ગામે જમીન ધરાવતા એક ખેડૂત પોતાની જમીનને બિનખેતીમાં ફેરવવા માટે છેલ્લા દોઢ વર્ષથી ‘બાડા’ કચેરીના ધક્કા ખાતા હતા. પેન્ડિગ રહેલી ફાઈલને મંજૂર કરાવવા માટે ‘બાડા’ વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ પ્લાનિંગ આસિસ્ટન્ટ મિતુલ જગદીશભાઈ પાનસીણિયાએ ઉપરી અધિકારી પાસે ફાઈલ મંજૂર કરાવવાના નામે શરૂઆતમાં રૂ. 15 લાખની લાંચ માગી હતી. કચેરીના ધક્કા ખાઈને કંટાળેલા ખેડૂતે કર્મચારી સાથે રકઝક કર્યા બાદ અંતે રૂ. 12 લાખ આપવાનું નક્કી કર્યું હતું. કર્મચારી આ રકમ લેવા સંમત થયો હતો અને શહેરના કાળિયાબીડ પાણીની ટાંકી પાસે લાંચની રકમ આપવાનું જણાવ્યું હતું. જોકે, ખેડૂત લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમણે આ અંગે ભાવનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી.ની ટીમે અલ્કાપુરી સોસાયટી, ટાણા ચોકડી પાસે (તા. સિહોર) પાણીની ટાંકી નજીક સફળ છટકું ગોઠવ્યું હતું. જ્યાં રૂ. 9 લાખનો પહેલો હપ્તો લેવા આવેલા પ્લાનિંગ આસિસ્ટન્ટ મિતુલ જગદીશભાઈ પાનસીણિયાને એ.સી.બી.ની ટીમે રંગેહાથ ઝડપી લીધા હતા. આ ઘટનાને પગલે ‘બાડા’ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને એ.સી.બી. પોલીસે ઓડિયો સહિતના મહત્વના પુરાવા કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક