તા. 24 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. 2 ઓક્ટોબરે રાજકોટમાં એવોર્ડ અર્પણવિધિ
રાજકોટ, તા. 18: ફૂલછાબના જન્મદિવસ 2 ઓક્ટોબરે દર વર્ષે અપાતા ફૂલછાબ એવોર્ડ કોરોના સમયથી સ્થગિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે પુન: આ એવોર્ડ આપવાનો નિર્ણય થયો છે. તા. 2 ઓક્ટોબરે પૂ. મોરારિબાપુના હસ્તે શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સાંજે 5 વાગ્યે આ એવોર્ડની અર્પણવિધિ થશે.
2 ઓક્ટોબરે ફૂલછાબ પોતાની શબ્દયાત્રાના 102 વર્ષ પૂર્ણ કરીને 103માં વર્ષમાં પ્રવેશ કરશે. તે નિમિત્તે ફૂલછાબ એવોર્ડ અપાશે. કળા-સાહિત્ય, કૃષિ-પર્યાવરણ, ઉદ્યોગ, સમાજસેવા અને રમતગમત ક્ષેત્રે જેઓ સક્રિય હોય, નોંધપાત્ર કાર્ય જેમણે કર્યું હોય તેવા પાંચ વ્યક્તિને આ એવોર્ડ માટે પસંદ કરાશે. અગાઉની જેમ જ આ નિર્ણય એવોર્ડ ચયન સમિતિ લેશે. તેમનો નિર્ણય જ આખરી ગણાશે.
ફૂલછાબ એવોર્ડ માટે શહેરનાં વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ), પ્રતાપભાઈ પટેલ (ટર્બો બેરિંગ) અમુભાઈ ભારદિયા (રવિ ટેક્નોફોર્જ), મનીષ માડેકા (રોલેક્સ રિંગ), કમલનયમ સોજિત્રા (ફાલ્કન પમ્પ) પરાક્રમસિંહ જાડેજા (જ્યોતિ સીએનસી)નો સદ્ભાવ સાંપડયો છે.
ફૂલછાબ એવોર્ડમાં પ્રત્યેક પ્રતિભાશાળી વ્યક્તિને રૂ. 51,000ની રાશિ તથા એવોર્ડ સ્મૃતિ ચિહ્ન પૂ. મોરારિબાપુના હસ્તે અપાશે. અન્ય વ્યક્તિવિશેષો પણ આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. એવોર્ડ માટે સંબંધિત ક્ષેત્રના કોઈ વ્યક્તિએ પોતાની વિગતો બેથી ત્રણ ફુલસ્કેપમાં લખીને ફૂલછાબ કાર્યાલય, ફૂલછાબ ચોક સદર બજાર રાજકોટ ખાતે પહોંચાડવાની રહેશે.
કવર પર ફૂલછાબ એવોર્ડ એવું ખાસ લખવું. ફૂલછાબમાં ઇમેઇલ દ્વારા પણ આ અરજી મોકલી શકાશે. જેના માટેનું ઇમેઇલ આઇડી છે- ાવીહભવવફબ.ફૂફમિ।઼લળફશહ.ભજ્ઞળ
એવોર્ડની અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ 24મી સપ્ટેમ્બર, 2023 છે. ત્યાર બાદ આવેલી અરજી માન્ય રહેશે નહીં.