આયાતી જહાજો પરથી અઢી ટકા જકાત નીકળી જતા ઉદ્યોગને રાહત થશે: રિરોલિંગ મિલોને પણ ફાયદો થઈ શકે
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા. 16 : ભાંગવા માટે જહાજવાડામાં આવતા જહાજો પર લાગી રહેલી અઢી ટકા આયાત જકાત દૂર થઈ છે. એ ઉપરાંત હવે રિરોલિંગ મિલોને બીઆઇએસના નિયમોમાં છૂટછાટ મળવાની આશા બંધાતા અલંગ શિપ બ્રાકિંગ યાર્ડમાંથી મંદીનાં વાદળો દૂર થાય એમ છે. છેલ્લાં બે ત્રણ મહિનાથી સ્થિતિ અગાઉની તુલનાએ ઘણી સુધરી છે પણ હવે વધુ રાહતની શક્યતા છે.
શિપ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ઉપપ્રમુખ રમેશ મેંદપરા કહે છે કે, અગાઉ બેથી ત્રણ જહાજ માસિક ધોરણે આવતા હતા પરંતુ હવે સ્થિતિ સુધરી છે. ગયા મહિનામાં 12થી 13 જહાજો ભાંગ્યાં છે. ચાલુ મહિને પાંચથી સાત જહાજો આવી ગયાં છે. પરિસ્થિતિમાં થોડો સુધારો જોવાયો છે.
તેમણે કહ્યું કે, આપણે ત્યાં હજુ બાંગ્લાદેશ સાથે સીધી હરીફાઈ છે. જોકે સરકારે અઢી ટકાની જકાત આયાત પર લાગતી હતી તે દૂર થઈ છે એટલે સોદા વધશે. ભારતીય શિપ બ્રેકરો વૈશ્વિક જહાજ માલિકોને સારો ભાવ ઓફર કરી શકશે. અઢી ટકાની જકાત દૂર થવાને લીધે ભારત હવે 15થી 17 ડોલર ઉંચા ક્વોટેશન આપી શકશે. પાકિસ્તાનમાં નાણાંની સમસ્યા છે અને તૂર્કીમાં પણ મંદી છે. જોકે બાંગ્લાદેશ સાથે ભારતને સીધી હરીફાઈ છે. ભારતના શિપ બ્રેકરો ટને 550થી 600 ડોલરના ભાવ જહાજ પ્રમાણે ચૂકવે છે. એની સામે બાંગ્લાદેશ 25-27 ડોલર વધારે ચૂકવીને જહાજો ખેંચી જાય છે.
વળી, બાંગ્લાદેશમાં હવે ત્રણેક જેટલા પ્લોટ હોંગકોંગ સ્ટાન્ડર્ડના થઈ ગયા છે, એટલે જહાજો ત્યાં વળે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4થી 5 ડોલરનો ફરક રહે તો જહાજો અહીં વધારે આવશે.
રમેશભાઈ ઉમેરે છેકે, બીઆઇએસ દ્વારા રિરોલિંગ મિલો માટે કડક ધારાધોરણોનું પાલન કરાવતા તે બંધ થઈ ગઈ છે. બીઆઇએસના સ્ટાન્ડર્ડ પાળી શકાતા ન હોવાથી તે બંધ કરવી પડી હતી. જોકે આ મુદ્દાના ઉકેલ માટે બીઆઇએસના અધિકારીઓની ટુકડી 27 માર્ચે અલંગ આવી રહી છે. આ વિઝિટમાં જહાજમાંથી નીકળતી પ્લેટ અને રોલિંગ મિલોના સળિયાની ગુણવત્તા તપાસાશે. એમાં પાર ઉતરી જાય તો અલંગને ફાયદો મળશે કારણ કે, રોલિંગ મિલો ફરીથી શરૂ થઈ શકશે. ભાવનગર જિલ્લામાં 150 કરતા વધારે આ પ્રકારની મિલો છે. જોકે ગુજરાતમાં આ સંખ્યા ઘણી મોટી છે.