• સોમવાર, 24 જૂન, 2024

ગુજરાતમાં આગથી અકસ્માતની 3100 ઘટના, 3176નાં મૃત્યુ

છેલ્લાં વર્ષમાં જ આગથી થતા અકસ્માતમાં 737 લોકોએ જીવ ગુમાવ્યા : કોંગ્રેસ

 

 અમદાવાદ, તા. 27 : ગુજરાત રાજ્યમાં આગથી થતાં અકસ્માતમાં થતાં મૃત્યુના આંકડાઓ ચોંકાવનારા અને ચિંતાજનક છે. એનસીઆરબી દ્વારા આગથી થતાં અકસ્માતમાં વર્ષ 2018થી 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં 3176 મૃત્યુ થયાં છે. છેલ્લાં પાંચ વર્ષમાં આગથી થતા અકસ્માતની 3100 ઘટનાઓ ઘટી છે. વર્ષ 2021 અને 2022માં આગથી થતાં અકસ્માતની 729 ઘટનાઓ બની છે. બે વર્ષમાં આગથી થતાં અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, એમ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજાસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું. 

તેમણે જણાવ્યું હતું કે, તક્ષશિલા કાંડ સુરતથી ટીઆરપી ગામિંગ ઝોન કાંડ રાજકોટ સુધી અનેકવાર ગંભીર અકસ્માત જોયા છે અને અનેક પરિવારો એ પોતાના સ્વજન ગુમાવ્યા છે. સરકાર દર વખતે સીટની રચના કરીને ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવા રાગ આલાપતા રહ્યા છે અને હરણી બોટ કાંડના આરોપી બહાર પણ આવી ગયા છે. કોન્ટ્રાક્ટર, કર્મચારીઓ અને સિક્યુરિટી ગાર્ડને જેલ ભેગા કરી શકાય પણ જે સરકારી કર્મીઓ, કોર્પોરેશનના કર્મીઓ, ફાયર વિભાગના કર્મીઓ જેમની ફરજમાં જે આવે છે તે ફરજ નથી નિભાવતા અને તેમની ફરજ બેદરકારીના લીધે ગંભીર અકસ્માતો બને છે. આ પ્રકારની જાહેર જગ્યાઓ જ્યાં નાના ભૂલકાઓ, બાળકો, મહિલાઓ તેમના પરિવાર સાથે જતા હોય તેવી જગ્યાઓની સુરક્ષાની સરકાર રાખવાની ફરજ તંત્રની છે, એમ કહેતા તેમણે ઉમેર્યું હતું કે આવાં સ્થળો ઉપર ફાયર સેફ્ટીનાં સાધન છે કે નહીં તે કોણ તપાસશે ? લાંચિયા સરકારી કર્મચારીઓ ઉપર ક્યારે પગલાં લેવાશે?

તેમણે કહ્યું કે, શું તક્ષશિલા કાંડ, મોરબી બ્રિજ કાંડ, હરણી કાંડમાંથી ક્યારેય શીખ નહીં લઈએ ? આ પ્રકારના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેમ નથી ચલાવતા તે પ્રશ્ન છે. તંત્ર ક્યાં સુધી આંખ આડા કાન કરશે અને ક્યાં સુધી આમને આમ નિર્દોષોના જીવ જશે ?  શું તંત્રને જવાબદારીનું ભાન થશે અને યોગ્ય કાર્યવાહી કરશે ખરાં ? એવા વેધક સવાલ કર્યા હતા. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક