ગંભીર
ઈજાગ્રસ્ત પત્નીની નજર સામે જ પતિનું મૃત્યુ
કેશોદ:
કેશોદ નજીક આવેલ મંગલપુર પાટિયા પાસે માતેલા સાંઢની માફક આવતા ડમ્પરના ચાલકે સ્કૂટરસવાર
દંપતીને અડફેટે લીધું હતું. હીટ એન્ડ રનની ઘટનામાં કેશોદના ફરસાણના વેપારીનું ઘટના
સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે તેના પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત
હોય પહેલાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર
કરવામાં આવ્યાં છે.
કેશોદ
પોલીસ સ્ટેશનમાં મૃતકના પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદ મુજબ, અમૃતનગર મેઈન રોડ પર સુરતી
ખમણની દુકાન ધરાવતાં સમીરભાઈ ગાવિંદભાઈ ચોવટીયા તેના પત્ની દક્ષાબેન સાથે એક્ટિવા લઈને
જૂનાગઢથી કેશોદ તરફ આવી રહ્યાં હતાં ત્યારે અગતરાય ગામ પાસે મંગલપુર પાટીયે પૂરપાટ
ઝડપે માતેલાં સાંઢની માફક આવતા રેતી ભરેલા ડમ્પરના ચાલકે બેફિકરાઈથી ચલાવી સ્કૂટરને
અડફેટે લીધું હતું. સ્કૂટર ડાબી બાજુના પાછળના જોટામાં આવી જતાં ઘટના સ્થળે જ ચાલક
સમીરભાઈ ગાવિંદભાઈ ચોવટિયાનું મૃત્યુ નિપજ્યું, તેના પત્ની દક્ષાબેનને પગના ભાગે ગંભીર
ઈજા થઈ હોય જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ ગંભીર ઈજાગ્રસ્ત હોય
રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
કેશોદ પોલીસે મૃતકના પરિવારજન પરસોત્તમભાઈનું નિવેદન
નોંધી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પીએસઆઈ જે.આર.વાઝા, અમરાભાઈ હામાભાઈ જુજીયા
તપાસ ચલાવી રહ્યાં છે.
હાઈ
વે ઓથોરિટી પાસે લોડેડ ડમ્પર ઉંચું કરવાની વ્યવસ્થા ન હોવાથી મૃતદેહ ડમ્પર હંકાવી કાઢવો
પડયો હતો. જેમાં અગતરાય ગામના યુવાનો અને વાહન ચાલકો મદદરૂપ બન્યાં હતાં.
કેશોદ આસપાસ પસાર થતાં હાઈ વે પર માતેલાં સાંઢની
માફક દોડતાં ડમ્પરોના કારણે છાશવારે આવા બનાવ બને છે. જિલ્લા ટ્રાફિક પોલીસની ચેકિંગ
સ્કવોડ બે ચાર દિવસે પડાવ નાંખીને રિક્ષા અને કારને પકડી કાર્યવાહી કર્યાનો સંતોષ માને
છે. કેશોદ વિસ્તારમાં પસાર થતાં હાઈ વે પર પાંચેક જગ્યાએ ડાયવર્ઝન હોય છાશવારે આકસ્મિક
ઘટના બને છે. અહીં ઓવરલોડ રેતી કાંકરી ભરેલાં ડમ્પરો બેફામ દોડે છે. છતાં જવાબદાર તંત્ર
દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
બનાવની
જાણ થતાં જ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા સહિત શહેરીજનો સરકારી દવાખાને ઉમટી
પડ્યાં હતાં. થોડાં સમય પહેલાં જ ડીપી રોડ પર સાઇકલ સવાર બાળકને ડમ્પર ચાલકે બેફિકરાઈથી
ચલાવતાં અડફેટે લીધો હતો.