• શનિવાર, 14 જૂન, 2025

WTC ફાઇનલમાં બોલરોનું વર્ચસ્વ અને બેટધરો ઘૂંટણિયે

દ. આફ્રિકા 138 રને ઓલઆઉટ પછી ઓસ્ટ્રેલિયાએ 109 રનમાં 7 વિકેટ ગુમાવી : 183 રને આગળ

 

કાંગારૂ કપ્તાન કમિન્સની 6 વિકેટ

 

લંડન, તા.12: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં લોર્ડસની ખતરનાક પીચ પર ઝડપી બોલરોના સંપૂર્ણ વર્ચસ્વ સાથે બન્ને ટીમ બેટધરો નતમસ્કત થયા હતા. આજે બીજા દિવસે લંચ પહેલા દ. આફ્રિકાની ટીમ 138 રનમાં ડૂલ થઇ હતી. આ પછી બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાનો પણ ધબડકો થયો હતો અને 34 ઓવરમાં 109 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાને પહેલા દાવમાં અતિ કિંમતી 76 રનની સરસાઇ મળી હતી. આથી તે 183 રને આગળ થયું હતું. જો ઓસ્ટ્રેલિયાની સરસાઇ 200 ઉપર પહોંચી જશે તો દ. આફ્રિકા માટે લોર્ડસના ખતરનાક પીચ પર વિજય લક્ષ્યાંક ઘણો કઠિન બની જશે. ડબ્લ્યૂટીસી ફાઇનલ મેચના આજે બીજા દિવસે કુલ 13 વિકેટ પડી ચૂકી છે અને હજુ રમત એક કલાકની બાકી હતી.

બીજા દાવમાં ઓસ્ટ્રેલિયા તરફથી ખ્વાઝા 6, લાબુશેન 22, ગ્રીન ઝીરોમાં, સ્મિથ 13, હેડ 9, વેબસ્ટર 9 અને કમિન્સ 6 રને આઉટ થયા હતા. એન્ડિગીએ 3 અને રબાડાએ 2 વિકેટ લીધી હતી.

આ પહેલા આજે ફાઇનલના બીજા દિવસે લંચ પછી તુરત જ દ. આફ્રિકા ટીમ પ7.1 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઇ હતી. આથી ઓસ્ટ્રેલિયાને 74 રનની અતિ મહત્વની સરસાઇ મળી હતી. લોર્ડસની બાઉન્સી પિચ પર આફ્રિકી બેટધરો પણ ટકી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ એન્ડ કંપનીની પેસ બેટરી સામે આફ્રિકાના ફક્ત ચાર બેટર જ બે આંકડે પહોંચી શકયા હતા. જેમાં સૌથી વધુ 4પ રન મીડલ ઓર્ડર ડેવિડ બેડિઘમના હતા જ્યારે કપ્તાન તેંબા બાવૂમાએ 84 દડામાં 4 ચોક્કા અને 1 છક્કાથી 36 રનની ઇનિંગ રમી હતી. ઓપનર રિયાન રિકલટન 16 અને વિકેટકીપર કાઇલ વેરેન 13 રને આઉટ થયા હતા.

આજે માર્કો યાનસન ઝીરોમાં, કેશવ મહારાજ 7 રને રનઆઉટ અને રબાડા 1 રને આઉટ થયા હતા. કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સે ઘાતક બોલિંગ કરીને 28 રનમાં 6 વિકેટ ઝડપી હતી. જ્યારે મિચેલ સ્ટાર્કને 2 અને જોશ હેઝલવૂડને 1 વિકેટ પ્રાપ્ત થઇ હતી.

 

કમિન્સ 300 વિકેટ લેનારો ઓસ્ટ્રેલિયાનો આઠમો બોલર

પેટ કમિન્સ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ લેનારો ઓસ્ટ્રેલિયાનો આઠમો બોલર બન્યો છે. ફાઇનલમાં માર્કો યાનસનનો શિકાર કરીને કમિન્સે 300 વિકેટના આંકડાને સ્પર્શ કર્યોં હતો. કમિન્સે તેના 68મા ટેસ્ટમાં 300 વિકેટ પૂરી કરી છે. સૌથી ઓછા ટેસ્ટમાં 300 વિકેટની ઓસ્ટ્રેલિયાની સૂચિમાં તે ચોથા નંબર પર છે. ડેનિસ લીલીએ પ6 ટેસ્ટમાં, શેન વોર્ને 63 અને ગ્લેન મેકગ્રાએ 64 ટેસ્ટમાં આ પરાક્રમ કર્યું હતું. આ સિવાય ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ જોનસન, બ્રેટ લી, મિચેલ સ્ટાર્ક અને નાથન લિયોન 300 કે તેથી વધુ વિકેટની ઉપલબ્ધિ ધરાવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક