બાજુની
વાડીમાં ઝટકા મશીન બંધ કરી તિજોરી તોડી રોકડ રકમ ઉઠાવી
તળાજા
: અહીંના રેલવે સ્ટેશનથી આગળ જતાં વિકસિત એવી વૃંદાવન સોસાયટીમાં વેપારીના મકાનમાંથી
તસ્કરો આખેઆખી તિજોરી ઉપાડી ગયા હતા.આ મકાન બે મહિનાથી મોટાભાગે બંધ રહેતું હતું. જેને
આજે તસ્કરેએ નિશાન બનાવ્યું. વજનદાર તિજોરી આખેઆખી ઉપાડી નજીકની વાડીમાં લઈ જઇ તોડી
તેમાં રહેલા રોકડ રકમ ઉઠાવી લીધી હતી.
તળાજામાં
બંધ મકાનના દરવાજા તોડી ચોરીને અંજામ આપવામાં આવી રહ્યાના અહેવાલો બાદ પણ પોલીસે લેવી
જોઈતી ગંભીરતા ન દાખવી. વૃંદાવન સોસાયટી ખાતે રહેતા મૂળ પીપરલા ગામના રહીશ અને કઠવા
નજીક ગોપીનાથ કલર નામે પ્લોટ ધરાવી વ્યવસાય કરતા રાજેશ રણછોડભાઈ પંડયાએ અજાણ્યા ચોર
ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીના
માતા બીમાર હોય ત્રણેક માસથી અહીં મકાન મોટાભાગે બંધ રહેતું હતું. જેનો તસ્કરોએ લાભ
ઉઠાવ્યો હતો. લાકડાના બારણામાં બાખોરૂ પાડી, દરવાજો ખોલી અંદર ગયા, પણ કોઈ કિંમતી વસ્તુઓ
હાથ લાગી ન હતી. આથી ઘરમાં રહેલ વજનદાર તિજોરી તસ્કરો ઘરથી આશરે ત્રણસો મીટર દૂર અવાવરું
જગ્યા સુધી ઉપાડીને લઈ ગયા હતા. જ્યાં મજબૂત તિજોરી તોડી તેમાં રાખેલ રોકડ રૂ.18,000ની
ચોરી કરી હતી. પોલીસને જાણ કરતા પીઆઈ વી.આર.ચાવડા, પીએસઆઈ ખાંભલાએ સ્ટાફ સાથે સ્થળ
તપાસ કરીને ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે.
જે
મકાનને તસ્કરે નિશાન બનાવ્યું છે, તે સાવ છેવાડેનું છે. અહીં રહેનાર સિવાય કોઈ જ વ્યક્તિની
અવર જવર રહેતી નથી. ત્યારે તસ્કરોએ આખાય વિસ્તારને ઘમરોળ્યો હશે.તસ્કરો ખેતી ઔજારથી
પરિચિત હોય અહીં ખેતરમાં પ્રવેશતા પહેલા તેઓએ ઝટકા મશીન બંધ કરી દીધું હતું, જેથી ઇલેક્ટ્રિક
કરંટ લાગે નહીં.
રાજકીય નેતા રમેશભાઈ ભાલિયાએ જણાવ્યું હતું કે ત્રણ ચોર
સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પંડયા પરિવારના મકાનને ટાર્ગેટ બનાવ્યા પહેલા રેલવેના
પાટા વાળી જગ્યા નજીક રહેતા મુન્નાભાઈ પરસોત્તમભાઈના મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.જો
કે અહીં ઘરધણી જાગી જતાં તસ્કરો ભાગી છૂટયા હતા.