• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ : 393 સંસ્થામાં 26,174 ઉમેદવાર મેદાનમાં

39,349 ઉમેદવારી પત્ર ભરાયા હતા, 11,333 ફોર્મ રદ થયા, 28,016 ફોર્મ માન્ય રખાયા

1532 પાછા ખેંચાયા બાદ 310 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.15 : ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે. રાજ્યની 393 સ્થાનિક સંસ્થાઓમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો માટે 26 એપ્રિલે સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જ્યારે 11 નગરપાલિકાની 13 ખાલી બેઠકો માટે પેટાચૂંટણી પણ યોજાશે.

કુલ મળીને 39,349 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ચકાસણી દરમિયાન 11,333 ફોર્મ વિવિધ કારણોસર રદ કરવામાં આવ્યા. ત્યારબાદ 28,016 ફોર્મ માન્ય રહ્યા. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ સુધીમાં 1,532 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે 310 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા અને કુલ 26,174 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહેશે.

વિભાગવાર વિગતો મુજબ, 15 મહાનગરપાલિકાઓમાં 5,986 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 3,378 માન્ય રહ્યા. 124 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા અને 34 બિનહરીફ જાહેર થયા. અંતે 3,220 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. 84 નગરપાલિકાઓમાં 7,819 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 6,295 માન્ય રહ્યા. 400 ફોર્મ પરત ખેંચાયા અને 276 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. હવે 5,619 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેશે. 34 જિલ્લા પંચાયતોમાં 4,906 ફોર્મ ભરાયા હતા. ચકાસણી બાદ 3,364 ફોર્મ માન્ય રહ્યા અને 235 ફોર્મ પરત ખેંચાયા. હવે 3,129 ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં સ્પર્ધા રહેશે. 260 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 20,638 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 14,979 માન્ય રહ્યા અને 773 ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું. અંતે 14,206 ઉમેદવાર ચૂંટણી લડશે. આ ઉપરાંત પેટાચૂંટણી માટેની 11 નગરપાલિકાઓની 13 બેઠકો માટે 40 ફોર્મમાંથી 11 રદ થયા, 4 પરત ખેંચાયા અને 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. અંતે 22 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી જંગની આખરી સ્થિતિ

સંસ્થા    કુલ ફોર્મ  ફોર્મ રદ   માન્ય ફોર્મ           પરત ખેંચાયા        બિનહરીફ            ચૂંટણીમેદાનમાં 15- મનપા 5986   2608   3378   124            34        3220

84- પાલિકા        7819   1524   6295   400     276     5619

34-જિ.પં.          4906   1542   3364   235     00        3129

260-તા.પં.         20,638            5659   14,979            773     00        14,206

કુલ-393 સંસ્થા   39,349            11,333            28,016            1,532  310     26,174

11-પાલિકા પેટાચૂંટણી       40        11        29        04        03        22

ઇ-પેપરના નવા શુલ્ક