• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

સુત્રાપાડાના સુંદરપરા ટોલનાકા પર કર્મચારીઓની દાદાગીરી

વાહનચાલકો અને પત્રકાર સાથે ગેરવર્તનનો વીડિયો વાયરલ

કોડીનાર,તા.15: ગીર સોમનાથના સુત્રાપાડા ફાટક પાસે આવેલા સુંદરપરા ટોલનાકા પર ગત મોડી રાત્રે કર્મચારીઓએ મુસાફરો સાથે બેફામ ગેરવર્તન કરી ખુલ્લી ધમકીઓ આપતા ચકચાર મચી છે. વેરાવળથી કોડીનાર જઈ રહેલા આદિલ મલેક, પત્રકાર અલ્તાફ મુગલ અને સાથીદારોની કારમાં ફાસ્ટટેગ બેલેન્સ ઓછું હોવાથી ગાડી પાછળ લેવા બાબતે વિવાદ થયો હતો. પાછળ અન્ય વાહનો હોવા છતાં ટોલ કર્મીઓએ તે હટાવવામાં મદદ કરવાને બદલે ઉગ્ર બની વાહનચાલકો સાથે ગાળાગાળી અને દાદાગીરી કરી હતી. મુસાફરોએ 112 પર પોલીસને ફોન કરવાની વાત કરતા કર્મીઓએ ’દિલ્હી-બરોડાથી પોલીસ બોલાવી લો, અમારું કંઈ નહીં થાય’ તેમ કહી પોલીસ તંત્રને પણ ખુલ્લો પડકાર ફેંક્યો હતો, જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ ઘટના અંગે ટ્વિટર (ડ) પર રજૂઆત થતાં ગુજરાત પોલીસ વડાએ ગંભીર નોંધ લીધી છે. તેમણે ગીર સોમનાથ એસ.પી.ને તાત્કાલિક પીડિત અરજદારનો સંપર્ક કરી પુરાવા મુજબ કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં ટોલ કર્મીઓ વિવેકપૂર્ણ વર્તન કરે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુંદરપરા ટોલનાકા વિશે અગાઉ પણ ’ડાકુઓ’ જેવું વર્તન કરતા હોવાની અનેક ફરિયાદો ઉઠી ચૂકી છે. આ મામલે જાગૃત નાગરિક આદિલ મલેકે સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરતા તંત્રના આગામી પગલાં પર સૌની નજર મંડાયેલી છે.

ઇ-પેપરના નવા શુલ્ક