ધ્રાંગધ્રા:
ધ્રાંગધ્રા હાઈ વે પર જીવદયાપ્રેમીઓએ કતલખાતે લઈ જવાતા 38 પાડાને બચાવી લીધા હતા. કચ્છ
જિલ્લાના અંજાર તાલુકામાંથી પશુઓને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાઈ રહ્યા હોવાની બાતમી
મોરબીના જીવદયાપ્રેમીઓને મળી હતી.જેના આધારે તેઓએ કચ્છ-અમદાવાદ હાઈ વે પર વોચ ગોઠવી
હતી. આ દરમિયાન જીજે 06 એટી 8168 નંબરની આઇશર પસાર થતાં ચાલકે જીવદયાપ્રેમીઓને જોઈ
વાહન ઝડપી ગતિએ ભગાવ્યું હતું. જીવદયાપ્રેમીઓએ મોરબીથી ધ્રાંગધ્રા સુધી આ આઇશરનો ફિલ્મી
ઢબે પીછો કર્યો હતો. દરમિયાન મોરબીના જીવદયાપ્રેમીઓએ ધ્રાંગધ્રાના કાર્યકરોને જાણ કરતાં
કુડા ચોકડી નજીક પણ વોચ ગોઠવવામાં આવી હતી. પીછો કરાતો હોવાથી ઝડપના કારણે આ આઇશર ફલકુ
બ્રિજ પાસે સેફ્ટી ગ્રિલ સાથે અથડાઈ હતી, જેના કારણે ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. જીવદયાપ્રેમીઓએ
વાહન રોકાવી તપાસ કરતાં અંદરથી ક્રૂરતાપૂર્વક બાંધેલા 38 પાડા મળી આવ્યા હતા. ધ્રાંગધ્રા
તાલુકા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે
આઇશર ચાલક જાવિદખાન ઇકબાલખાન પઠાણ (રહે: અમદાવાદ) વિરુદ્ધ ગુનો નોંધી તમામ પશુઓને સુરક્ષિત
સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. જીવદયાપ્રેમીઓની સતર્કતાથી તમામ 38 પાડા બચી
ગયા છે.