• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

ભારતના 25 લાખ લોકો ઉપર ગરીબીનું જોખમ

મધ્ય-પૂર્વ તણાવની સીધી અસર : સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં ચેતવણી : એશિયા-પ્રશાંત ક્ષેત્રને 299 અબજ ડોલરનો ફટકો

નવી દિલ્હી, તા. 15 : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હાલ અનિશ્ચિતતાઓમાં ફસાયેલું છે. અમેરિકા અને ઈરાને બે સપ્તાહનો યુદ્ધવિરામ જાહેર કર્યો હતો, પરંતુ ઈસ્લામાબાદમાં શાંતિમંત્રણાઓ પડી ભાંગતાં ફરી તણાવ વધ્યો છે, જેથી આ યુદ્ધ લાંબું ચાલે તેવી આશંકા છે. જો કે, આ યુદ્ધની ભારત પર વિપરિત અસર પડી રહી છે. આ યુદ્ધના કારણે ભારતમાં 25 લાખથી વધુ લોકો પર ગરીબીમાં ધકેલાઈ જવાનું જોખમ છે, તેમ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના એક અહેવાલમાં દાવો કરાયો છે. આ હેવાલ મુજબ ઈંધણ, ખાતર અને પરિવહન ખર્ચ વધવાથી કૃષિ મોંઘી થઈ શકે છે, જેથી ખેડૂતો પર દબાણ વધશે. સામાન્ય માણસ પણ મોંઘવારીના ખપ્પરમાં ધકેલાઈ શકે છે.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના અહેવાલમાં વૈશ્વિક સ્તરે 88 લાખ લોકો પર ગરીબી ધકેલાવાનું જોખમ હોવાનો દાવો કરાયો છે. સાથે આ યુદ્ધથી એશિયા-પ્રશાંત ક્ષેત્રને 299 અબજ ડોલર સુધીનું નુકસાન થઈ શકે છે. અહેવાલના પ્રારંભિક આકલન મુજબ સંઘર્ષના કારણે દુનિયાભરમાં ગરીબીમાં ધકેલાનારા લોકોની સંખ્યા લગભગ 19 લાખથી વધીને અંદાજે 88 લાખ સુધી થઈ શકે છે, જેમાં દક્ષિણ એશિયાના લોકો સૌથી વધુ હશે. ચીનમાં પણ ગરીબોની સંખ્યા 1.15 લાખથી વધીને 6.20 લાખ સુધી પહોંચવાની આશંકા છે. જો કે, ચીનની કુલ વસતીની સરખામણીમાં તેની અસર અપેક્ષાકૃત ઓછી રહેશે.

આ હેવાલ મુજબ ભારતમાં એચડીઆઈ પ્રગતિમાં લગભગ 0.03થી 0.12 વર્ષ સુધીનો ઘટાડો થઈ શકે છે. આ સિવાય નેપાળમાં 0.02થી 0.09 વર્ષ અને વિયેતનામમાં 0.02થી 0.07 વર્ષનો ઘટાડો જોવા મળી શકે છે. જો કે, ચીન પર તેનો પ્રભાવ અપેક્ષાકૃત ઓછો રહેવાનો અંદાજ છે. ચીનમાં એચડીઆઈ 0.01થી 0.05 વર્ષ રહી શકે છે.  અહેવાલ મુજબ વેપાર અને પુરવઠા શ્રેણી પર પણ અસર જોવા મળી શકે છે. દુનિયામાં 36માંથી 25 દેશમાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, યુદ્ધ જોખમ વીમો, માર્ગ પરિવર્તન અને વિલંબ જેવી સમસ્યાઓ જોવા મળી છે.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના ‘પશ્ચિમ એશિયામાં સૈન્ય વૃદ્ધિ : એશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં માનવ વિકાસ પર અસર’ મથાળાવાળા હેવાલમાં કહેવાયું છે કે, મધ્ય-પૂર્વમાં યુદ્ધ એશિયા તથા પ્રશાંત ક્ષેત્રમાં માનવ સંશાધનો પર દબાણ વધારી રહ્યું છે. ભારતમાં ઈંધણ, પરિવહન અને ક્રૂડ ઓઈલનો ખર્ચ વધવાથી લોકોની ઘરેલુ ખર્ચશક્તિ ઘટી રહી છે. ખાદ્ય અસુરક્ષા વધી રહી છે, સરકારી બજેટ પર દબાણ પડી રહ્યું છે અને આજીવિકા માટેની આવક ઘટી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક