• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

હારની હેટ્રિક સહન કરનાર મુંબઇ સામે આજે પંજાબનો પડકાર

સ્ટાર બેટર રોહિતની ગેરહાજરી અને સ્ટાર ખેલાડીઓના નબળા દેખાવથી મુંબઇ ઇન્ડિયન્સની સમસ્યામાં વધારો

મુંબઇ, તા.1પ: પાછલા કેટલાક મેચોમાં નિરાશાજનક દેખાવ કરનાર પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સ તેના સ્ટાર બેટર રોહિત શર્માની સંભવિત ગેરહાજરીમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ ગુરુવારે મેદાનમાં ઉતરશે. ત્યારે અત્યાર સુધીની અપરાજિત ટીમ પંજાબ સામે જીત હાંસલ કરવા મુંબઇ ટીમે તમામ મોરચે શાનદાર દેખાવ કરવો પડશે. હાલ હાર્દિક પંડયાની ટીમ નવમા સ્થાને લટકી રહી છે. સતત ત્રણ હારને લીધે આ ટીમનું મનોબળ પણ નીચું આવી ગયું છે.

પંજાબ સામેના મેચમાં રોહિત શર્માના રમવા પર સસ્પેન્સ બનેલું છે. આરસીબી સામેના પાછલા મેચમાં તેને હેમસ્ટ્રિંગ ઇન્જરી થઇ હતી. આથી તે બેટિંગ કરી શકયો ન હતો. પંજાબ સામે રોહિત ઉપલબ્ધ રહે કે ન રહે, પણ મુંબઇને હરહાલમાં જીત જરૂરી છે. વિજયક્રમ પર વાપસી કરવા એમઆઇના બોલર્સ અને બેટર્સે ક્ષમતા અનુસાર દેખાવ કરવો પડશે. મુંબઇ ઇન્ડિયન્સે પાછલી 13 વર્ષમાં સીઝનનો મેચ (કોલકતા વિરુદ્ધ) પહેલીવાર જીતીને સારી શરૂઆત કરી હતી. આ પછી આ ક્રમ જાળવી શકી નહી, અને દિલ્હી, રાજસ્થાન અને બેંગ્લુરુ સામે હાર સહન કરી. હવે તે હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ પર ચોથી હાર ટાળવા પંજાબ સામે ટકરાશે. પંજાબ સામે બુમરાહ, સૂર્યકુમાર, તિલક વર્મા અને કપ્તાન હાર્દિક પંડયા સહિતના સુપરસ્ટાર ખેલાડીઓએ ઉમદા દેખાવ કરવો પડશે.

બીજી તરફ પાછલી સીઝનની રનર્સઅપ ટીમ પંજાબ કિંગ્સે આ સીઝનમાં પણ તેનું અભિયાન શાનદાર રીતે શરૂ કર્યું છે. તે 4 મેચથી અપરાજિત છે. એક મેચ કેકેઆર સામે વરસાદમાં ધોવાયો હતો. શ્રેયસ અય્યરની કપ્તાનમાં પંજાબના બેટધરો હલ્લાબોલ કરી રહ્યા છે અને બોલરો ઘાતક બોલિંગ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે ટીમના દરેક ખેલાડી યથાયોગ્ય યોગદાન આપી રહ્યા છે. જો કે ટીમનો સ્ટ્રાઇક બોલર અર્શદીપ હજુ સુધી ઝળકી શકયો નથી. તેણે 4 મેચમાં 84 દડામાં 149 રન આપી માત્ર 2 વિકેટ લીધી છે.

ઇ-પેપરના નવા શુલ્ક