ભાવનગર તા.29: ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં ‘ખૂન કા બદલા ખૂન’ની વેરાગ્નિમાં એક સનસનાટીભરી હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં જૂની અદાવતનો બદલો લેવા માટે એક ઇકો કારના ચાલકે જાણી જોઈને મોપેડને અડફેટે લઈ એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે.
આજથી આશરે એક વર્ષ પહેલાં આ કામના
ફરિયાદી હાર્દિકભાઈ તેમજ તેમના મિત્ર સુનીલભાઈ ઘેલાભાઈ કંટારિયાએ આરોપી હસમુખ ઉર્ફે
શીશો મંગાભાઈ કંટારિયાના ભાઈ પીયૂષભાઈ મંગાભાઈ કંટારિયાની હત્યા કરી હતી. આ હત્યાનો
કેસ કોર્ટમાં ચાલુ હતો અને આ કેસમાં જામીન મુક્ત થઈને બહાર આવેલા હાર્દિક બટુકભાઈ કંટારિયા
તેમજ સુનીલભાઈથી બદલો લેવાની ભાવના આરોપીઓ રાખી રહ્યા હતા. ગઈકાલે ફરિયાદી હાર્દિકભાઈ
તેમજ સુનીલભાઈના ભાઈ અને મૃતક શાંતિભાઈ ઘેલાભાઈ કંટારિયા (ઉં.24, રહે. ભૂતેશ્વર ગા)
ઉપર હત્યાનો ખાર રાખી, તેમને જાનથી મારી નાખવાના ઈરાદે આયોજન કરવામાં આવ્યું હતું.
શાંતિભાઈ ઘેલાભાઈ કંટારિયા અને
રોનકભાઈ ગાંડાભાઈ કંટારીયા મોપેડ લઈને પરત ભૂતેશ્વર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ઘાત
લગાવીને બેઠેલા આરોપીએ પોતાની ઇકો કાર ઈરાદાપૂર્વક અને ફૂલ ઝડપે મોપેડ સાથે ટક્કર મારી
હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ઇકો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. આ
જીવલેણ ટક્કરમાં શાંતિભાઈ ઘેલાભાઈ કંટારિયાને ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી
હતી. તેમજ ફરિયાદી અને રોનકભાઈને પણ મારી નાખવાના ઈરાદે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી
હતી. આ બનાવ અંગે ઘોઘા પોલીસે ઇકો કારના ચાલક વિરુદ્ધ અકસ્માત સર્જી મૃત્યુ નિપજાવવા
અંગે અને હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને પગલે
ભૂતેશ્વર પંથકમાં ચકચાર મચી ગઈ છે.