• શુક્રવાર, 29 મે, 2026

સાતોદડ ગામે જમીન સંપાદનના વળતર વિવાદમાં ખેડૂતનો આત્મવિલોપન પ્રયાસ

ખેડૂતે શરીર પર ડીઝલ જેવું પ્રવાહી છાંટી ચીમકી આપતા તંત્રવાહકોએ સમજાવી સ્થિતિ કાબૂમાં લીધી

ધોરાજી, તા.28 : જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામે હાઈવે બાયપાસ રોડ માટે જમીન સંપાદન વળતર મામલે એક ખેડૂત દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જામનગર-જૂનાગઢ હાઈવેને જોડતા બાયપાસ રોડની કામગીરી દરમિયાન ખેડૂત રાજેન્દ્રાસિંહની ખેતી જમીન સંપાદિત કરવામાં આવી હતી. ખેડૂતનો આક્ષેપ છે કે તેમને યોગ્ય વળતર મળ્યું નથી અને અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા ન્યાય આપવામાં આવ્યો નથી.

વળતર મુદ્દે રોષે ભરાયેલા ખેડૂતે પોતાના શરીર પર ડીઝલ જેવું પ્રવાહી છાંટી આત્મવિલોપનની ચીમકી આપી હતી. ઘટનાની જાણ થતાં જામકંડોરણા તાલુકા પોલીસ, મામલતદાર કચેરીના અધિકારીઓ તેમજ માર્ગ-મકાન વિભાગના તંત્રવાહકો તાત્કાલિક સાતોદડ ગામે દોડી ગયા હતા અને ખેડૂતને સમજાવી સ્થિતિ કાબૂમાં લીધી હતી. ઘટનામાં ખેડૂતની તબિયત લથડતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા

મળ્યું છે.

સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે ખેતીલાયક જમીનો સંપાદિત કરવામાં આવે છે, પરંતુ યોગ્ય વળતર અને પારદર્શક પ્રક્રિયાના અભાવે ખેડૂતો આર્થિક અને માનસિક સંકટમાં મુકાઈ રહ્યા છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક યોગ્ય વળતર ચુકવવાની માગ ઉઠાવવામાં આવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક