પોલીસે ત્રણ સ્યુસાઈડ નોટ કબજે કરી, પ્રેમ પ્રકરણમાં પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ
કોડિનાર,
તા.7: ગિર સોમનાથ જિલ્લાના કોડિનાર શહેરની ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં
રહેતા અને કોડિનાર તાલુકા પંચાયતમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય રાહુલભાઈ
રસિકભાઈ પરમારે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. વહેલી સવારે પરિવારજનોના ફોન ન
ઉપડવાથી અને નોકરી પર હાજર ન રહેવાથી તપાસ કરતા આ દુર્ઘટના સામે આવી હતી. કોડિનાર પોલીસે
સ્થળ પર પહોંચી દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતારી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ
તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી અલગ-અલગ નાની વિગતો સાથે લખાયેલી ત્રણ સ્યુસાઇડ નોટ મળી આવી
છે, જેમાં પોતાના આ પગલા માટે પોતે જ જવાબદાર હોવાનો ઉલ્લેખ હોવાનું પ્રાથમિક તપાસમાં
બહાર આવ્યું છે. આ નોટોમાં “કોમલ’’ નામ અને “લવ’’ શબ્દનો ઉલ્લેખ પણ જોવા મળ્યો છે.
પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ કોમલ નામની યુવતી સાથે તેમની સગાઈ થયેલી હોવાની ચર્ચા
છે, પરંતુ મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ હોવાથી પોલીસે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક
તપાસ શરૂ કરી છે.
મૂળ
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધણફુલિયા ગામના વતની અને પરિવારના એકમાત્ર પુત્ર રાહુલભાઈના
અકાળ અવસાનથી તેમના પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે. તેમના પિતા નળ ફાટિંગનું કામ કરીને
ગુજરાન ચલાવે છે. હાલ પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો છે અને
કોડિનાર પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. હરિયાણીના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ ચાલુ છે.