• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

વિરપુર : 15.01 લાખની છેતરાપિંડીના કેસમાં સુરતનો આરોપી ઝડપાયો

બાયોફ્યુઅલના વેપારમાં બાકી નીકળતી રકમ ન આપી વિશ્વાસઘાત કરનાર શખસ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી

વીરપુર, તા.9 : રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયોફ્યુઅલના વેપારમાં રૂ. 15,01,958ની છેતરાપિંડી આચરનાર આરોપીને પોલીસે ગણતરીનાં કલાકોમાં જ ઝડપી પાડી નોંધપાત્ર કામગીરી કરી છે. ફરિયાદીના કારખાનામાંથી કુલ રૂ. 46,24,312ની કિંમતનો બાયોફ્યુઅલનો જથ્થો મેળવ્યા બાદ કેટલાક નાણાં ચૂકવી બાકી રહેતી મોટી રકમ પરત ન આપી અંગત ઉપયોગ કરી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો, જેને લઈને વિરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ દ્વારા વેપારીઓને કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારો કરતા પહેલાં સામેવાળી વ્યક્તિની ઓળખ અને સરનામાની સંપૂર્ણ ખરાઈ કરી સાવચેતી રાખવા વિશેષ અપીલ કરવામાં આવી છે.

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. જી. રાઠોડ અને તેમની ટીમ દ્વારા માનવ તથા ટેકનિકલ સોર્સની મદદથી હાથ ધરેલી સઘન તપાસ દરમિયાન સુરત ખાતે રહેતા જય અલખધણી એન્ટરપ્રાઇઝના માલિક આરોપી બ્રિજેશભાઈ મનહરભાઈ કાપડિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં પકડાયેલા આ આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં તેની સામે ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો નોંધાયેલો હોવાનું બહાર આવ્યું છે. હાલ વિરપુર પોલીસ દ્વારા આ આરોપી વિરુદ્ધ કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક