• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

અમેરિકા દ્વારા ઈરાન સામે યુદ્ધની આગ ઠારવાના, ઈઝરાયલના ભડકાવવાના પ્રયાસ !

ઈરાને હોર્મુઝ ખોલવા માટે વાટાઘાટ પહેલાં મૂકી દીધી આકરી શરતો : ઈઝરાયલે સેનાની રજાઓ કરી રદ, મોટા હુમલાની તૈયારી ?

નવીદિલ્હી, તા.9 : મધ્યપૂર્વમાં તનાવની પરાકાષ્ઠા વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની વાટાઘાટ તો ચાલે છે પણ ગમે ત્યારે એકાદા તણખાથી જંગની આગ ફાટી નીકળવાની ભીતિ જરાય ઓછી થઈ નથી. અહેવાલો અનુસાર ઈઝરાયલે પોતાના સૈન્યદળોની તમામ રજાઓ રદ કરી નાખી છે અને અમેરિકા-ઈરાનની વાટાઘાટ વચ્ચે ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ ઈરાન ઉપર ભીષણ હુમલાની તૈયારી આદરી હોવાની આશંકા પેદા થઈ છે. બીજીબાજુ ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે સાફ શબ્દોમાં દોહરાવ્યું છે કે, અમેરિકા જ્યાં સુધી પોતાનો વ્યવહાર નહીં સુધારે ત્યાં સુધી હોર્મુઝ જળમાર્ગ ખૂલવાનો નથી.

ઈરાને હોર્મુઝ ખોલવા માટે અમેરિકા સાથેની વાતચીતને પ્રભાવિત કરે તેવી નવી શરતો મૂકી દીધી છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડનાં કમાન્ડર મોહમ્મદ બાઘેરે એક નિવેદનમાં કહ્યું હતું કે, અમેરિકાએ હવે ફરી ક્યારેય ઈરાનને ધમકી આપવી જોઈએ નહીં. અમેરિકાએ ઈરાનનાં બંદરો ઉપર લાદેલા પ્રતિબંધો હટાવવા પડશે. સાથોસાથ આ ક્ષેત્રમાંથી અમેરિકાએ પોતાની સૈન્ય ઉપસ્થિતિ પણ હટાવવી પડશે. આવી જ રીતે જપ્ત કરેલી સંપત્તિઓને પણ બિનશરતી છૂટી કરવી જોઈએ.

અમેરિકા તરફથી ઈરાનનાં આ તીખા તેવર સામે કોઈ પ્રતિક્રિયા હજી સુધી આવી નથી. ઈરાના વિદેશમંત્રી તરફથી કહેવામાં આવ્યું હતું કે, હાલના તબક્કે અમેરિકા સાથે કોઈ સીધી વાટાઘાટ ચાલતી નથી અને વાટાઘાટ માટેનો આધાર તૈયાર કરવા ફક્ત મધ્યસ્થીઓનાં માધ્યમથી સંવાદ ચાલી રહ્યો છે.

એકબાજુ ઈરાન હવે કોઈપણ હિસાબે ઝૂકવા તૈયાર ન હોય તેવું દેખાઈ રહ્યું છે અને બીજીબાજુ અમેરિકા આ યુદ્ધનો ઉકેલ લાવવાની મથામણમાં છે ત્યારે જ ઈઝરાયલ તરફથી એકતરફી કાર્યવાહીનો સંકેત આપતા નિર્ણય સામે આવી રહ્યા છે. ઈઝરાયલ હવે એવા નિષ્કર્ષ ઉપર આવી ગયું છે કે, અમેરિકા તેની શરતો ઉપર ઈરાન સામે યુદ્ધ ચાલુ રાખવા સંમત નથી. જેમાં સૈન્ય દળોની રજા રદ કરીને ઈઝરાયલ કોઈ મોટી કાર્યવાહીની તૈયારીમાં હોવાની શંકા પેદા થઈ છે.

દરમિયાન હોર્મુઝના પૂર્વ પ્રવેશમાર્ગ પાસે એક વેપારી જહાજ ઉપર હુમલા બાદ આગ લાગી હોવાનું જાણવા મળે છે. તો યમનનાં હૂથીઓએ દાવા કર્યો છે કે, જીઝાન પ્રાંતમાં સાઉદી અરામકોના એક ઓઇલ મથકમાં હુમલાનાં કારણે આગ ફાટી નીકળેલી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક