મસાજના નામે રૂ.999થી 10 હજાર સુધી વસૂલાતા; ત્રણ યુવતી અને ત્રણ ગ્રાહક મળ્યા
ગોંડલ, તા.28 : ગોંડલના પેલેસ
રોડ પર શ્યામવાડી ચોક નજીક આવેલા પૂજન-2 કોમ્પ્લેક્સમાં સ્થિત ‘ધ ઇમ્પિરિયલ વેલનેસ
સ્પા’માં મસાજના ઓઠા હેઠળ કથિત રીતે ચાલતું કુટણખાનું રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન
ટ્રાફાકિંગ યુનિટે ઝડપી પાડયું હતું. પોલીસે સ્પાના સંચાલક અને મેનેજર વિરુદ્ધ ઇમોરલ
ટ્રાફાકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન
ટ્રાફાકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે, સ્પામાં બોડી ફ્રેશમેન્ટ અને મસાજના નામે
બહારથી ગ્રાહકોને બોલાવી કથિત ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. બાતમીની ખરાઈ કર્યા
બાદ પોલીસે સ્પામાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન સ્પા સંચાલક સરિતા લામા અને મેનેજર
જગદીશ રાઠોડ હાજર મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં મધ્યપ્રદેશ, બિહાર અને ત્રિપુરાની ત્રણ
યુવતીઓ તેમજ ત્રણ ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ગ્રાહકો પાસેથી મસાજ
ઉપરાંત અન્ય શારીરિક સેવાઓ માટે રૂ.999થી રૂ.10 હજાર સુધીની રકમ વસૂલવામાં આવતી હતી.
આ રકમમાંથી અમુક હિસ્સો યુવતીઓને આપવામાં આવતો હોવાનો પણ આરોપ છે. પોલીસે ત્રણ મોબાઇલ,
રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરાંત સ્પાના રિસેપ્શનમાંથી ઇંગ્લિશ દારૂની
બે બોટલ પણ મળી આવી હતી. આ મુદ્દે મેનેજર વિરુદ્ધ અલગથી કાર્યવાહી કરવામાં આવી છે.