બોર્ડરે 16 કિમી લાંબી ટ્રકની કતાર : ચાર દિવસથી ફસાયા ડ્રાઈવરો
નવી દિલ્હી, તા. 28 : નેપાળમાં
આવેલા ભીષણ પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓની અસર હવે સરહદી ક્ષેત્રોમાં સામાન્ય જનજીવન અને
વેપાર ઉપર પણ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજ જીલ્લામાં ભારત-નેપાળની સોનૌલી સરહદે માલવાહક ટ્રકોની લગભગ 16 કિમી લાંબી કતાર
લાગી છે. નેપાળના કાઠમાંડૂ અને અન્ય શહેરો માટે સામાન લઈને જઈ રહેલા વાહન સડકો ક્ષતિગ્રસ્ત
થવા અને ઘણા માર્ગો બંધ હોવાના કારણે આગળ વધી શકતા નથી. સ્થિતિ એવી બની છે કે ઘણા ટ્રક
ચાલક છેલ્લા ચાર દિવસથી સરહદે ફસાયેલા છે. વેપારીઓનું કહેવું છે કે માલની આપૂર્તિ થંભી
જવાથી બન્ને દેશના કારોબારને અસર પડી છે અને નુકસાન સતત વધી રહ્યું છે.
નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે
સડક નેટવર્કને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે. કાઠમાંડૂ સહિત ઘણા પ્રમુખ શહેરોને જોડતા
માર્ગ પ્રભાવિત છે. જેના કારણે ભારતથી જતા
વાહનો સરહદ પાર કરી શકતા નથી. મહારાજગંજના સોનૌલી બોર્ડર ઉપર ટ્રકની લાંબી કતાર છે.
કતાર નૌતનવા ક્ષેત્ર સુધી પહોંચી ચુકી છે. જેના કારણે હાઈવે ઉપર અવરજવર પ્રભાવિત થવાની
આશંકા વધી છે.
સ્થિતિને ધ્યાને રાખીને પોલીસ
અને સુરક્ષા એજન્સીઓએ દેખરેખ વધારી દીધી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે સરહદ ક્ષેત્રના
પોલીસ સ્ટેશનોને સતર્ક રહેવા કહી દેવાયું છે. અધિકારીઓએ આગળ કહ્યું હતું કે, જો નેપાળમાં
સંપર્ક જો જલ્દી બહાલ થશે નહી તો આપૂર્તિ અને વાહન વ્યહારની સમસ્યા વધારે ગંભીર બનશે.