• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

મોરબીમાં દારૂની 1092 બોટલ સહિત 11.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

મોરબી, તા.28 : તહેવારોને ધ્યાનમાં રાખીને મોરબી એલસીબી ટીમ પેટ્રાલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સુપર કેરી માલવાહક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જુના ઘૂટું રોડ પર આવેલી સિલ્વર પાર્ક સોસાયટીમાં લાવવામાં આવ્યો છે અને કોઈને દારૂ પહોંચાડવાની તૈયારી છે. બાતમીના આધારે એલસીબી ટીમે સિલ્વર પાર્ક સોસાયટીમાં દરોડો પાડયો હતો. પોલીસની ટીમ રેડ કરવા પહોંચતા જ ગાડીનો ચાલક વાહન રેઢું મૂકીને સ્થળ પરથી નાસી ગયો હતો. ત્યારબાદ પોલીસે જીજે-36-વી-5715 નંબરની સુપર કેરી ગાડીની તલાશી લેતા તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તલાશી દરમિયાન ઓલ ડીઝન વ્હીસ્કીની 516 બોટલ, રોયલ સ્ટેગ વ્હીસ્કીની 480 બોટલ અને બ્લેન્ડર્સ પ્રાઈડની 96 બોટલ, મળી કુલ 1092 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત રૂ.8,21,292 હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ.3 લાખની માલવાહક ગાડી પણ કબજે કરી છે. કુલ રૂ. 11,21,292નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી ગાડીચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક