• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

હળવદ ઘૂડખર અભયારણ્યમાં રેતી ચોરી કરતા ટ્રેક્ટર અને લોડર ઝડપાયા

-ખનિજ ચોરો સામે વન વિભાગની લાલઆંખ; બે મહિનામાં કુલ 19 વાહન જપ્ત

મોરબી, તા.27 હળવદ ઘૂડખર અભયારણ્ય વિસ્તારમાં રેતી ચોરી અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. હળવદ આરએફઓ બી.એમ. ડાભીને ટીકર નજીક નદી કિનારે રેતી ચોરીના પ્રયાસ અંગે બાતમી મળતાં વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર રેડ કરી હતી. પેટ્રાલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં વન વિભાગની ટીમે સ્થળ પરથી રેતી ભરેલું એક ટ્રેક્ટર તેમજ રેતી ભરવા માટે ઉપયોગમાં લેવાતું એક લોડર ઝડપી પાડÎું હતું. બંને વાહનોને સ્થળ પર અટકાયત કરી કબજામાં લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઘૂડખર અભયારણ્ય વિસ્તારમાં રેતી ચોરી ઉપરાંત ગેરકાયદેસર લાકડાની ચોરીને ડામવા માટે વન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સઘન પેટ્રાલિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં હાથ ધરાયેલી વિવિધ કાર્યવાહીમાં કુલ 19 વાહન સરકાર હસ્તક કરવામાં આવ્યા છે. કબજે કરાયેલા વાહનોમાં 10 ટ્રેક્ટર, 3 ડમ્પર, 1 હિટાચી, 1 જેસીબી, 1 લોડર, 1 આઇશર ટ્રક, 1 બોલેરો કેમ્પર અને 1 મોટરસાઇકલનો સમાવેશ થાય છે. વન વિભાગની સતત કાર્યવાહીને પગલે ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક