• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

નાની વાવડી ગામેથી 24 લાખની સોના-ચાંદી-રોકડ ભરેલી બેગ ચોરાઈ

પોલીસ ફરિયાદ બાદ સીસીટીવીના આધારે ભાંડો ફુટયો, રિક્ષા ચાલકે બેગ પરત કરી

ગારિયાધાર, તા.29:સુરત યોગીચોક ખાતે રહેતા અને મૂળ મોટાચારોડિયાના વતની કોમલબેન પાર્થભાઈ કોરાટ ગઈકાલે વહેલી સવારે 8:00 કલાકે ગારીયાધાર તાલુકાના નાનીવાવડી ગામે પિયરે આવ્યા હતા, જ્યાં બસ સ્ટેશનથી ઘર સુધીના રસ્તે તેમની સોના, ચાંદી અને રોકડ રકમ મળીને કુલ 24 લાખની કિંમતના સામાન ભરેલી બેગ ગુમ થઈ જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. કોમલબેન સુરતથી નાનીવાવડી પહોંચ્યા ત્યારે તેમની પુરતો સામાન હતો, પરંતુ ઘરે પહોંચીને તપાસ કરતાં તેમાંથી એક બેગ ગાયબ હોવાનું માલૂમ પડતા તેમણે વડીલોને બોલાવીને રિક્ષા ચાલક સાથે વાતચીત કરી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રિક્ષામાં બેગ હોવા છતાં રિક્ષા ચાલક તે વાત માનવા તૈયાર ન થતાં આખરે ગારિયાધાર પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા નાનીવાવડી ગામના જ રિક્ષા ચાલક કમલેશભાઈ નાનુભાઈ મકવાણા ઉર્ફે ક્લોની સંડોવણી સામે આવી હતી. પોલીસે તેને બોલાવીને કડક પૂછપરછ કરતાં તે પોલીસ સમક્ષ પોપટની માફક પોતે જ ચોરી કરી હોવાનું કબૂલી ગયો હતો અને સોના, ચાંદી તથા રોકડ રકમ ભરેલી તે કિંમતી બેગ આખી પરત કરી દીધી હતી. ગારિયાધાર પોલીસે આ મામલે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આરોપી વિરુદ્ધ આગળના પગલા લીધા છે.

ઇ-પેપરના નવા શુલ્ક