જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા
નવી
દિલ્હી, તા. 29 : ભારતીય ટીમ થાઈલેન્ડ સામેના મુકાબલાથી મહિલા એશિયા કપ 2026નો આગાઝ
કરશે. 20-20 ઓવરનો આ મુકાબલો રવિવારે દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપની ટીમ જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવા ઈચ્છશે.
થાઈલેન્ડની
ટીમ ભારત સામે અત્યારસુધીમાં કોઈપણ મેચ જીતી શકી નથી. બન્ને ટીમ વચ્ચે કુલ ત્રણ વખત
ટક્કર થઈ છે. મેચમાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઈનિંગની શરૂઆત કરી શકે છે. બન્નેની
કોશિશ ભારતને ઝડપી શરૂઆત અપાવવાની રહેશે. જ્યારે નંબર ત્રણ ઉપર પ્રતિકા રાવલ ઉતરી શકે
છે. હરમનપ્રીત ચોથા અને વિકેટકીપર ઋચા ઘોષ પાંચમા ક્રમાંકે બેટિંગ કરે તેવી શક્યતા
છે. ત્યારબાદ ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા એક્શનમાં જોવા મળશે.
બોલિંગની
કમાન અરુંધતિ રેડ્ડી, રાધા યાદવ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર અને ક્રાંતિ ગોડને સોંપવામાં
આવી શકે છે. ભારત અને થાઈલેન્ડ વચ્ચેનો મુકાબલો 30મી ઓગસ્ટે દુબઈમાં રમાવાનો છે. મેચની
શરૂઆત ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે થશે. જ્યારે ટોસ અડધી કલાક અગાઉ 7.30 વાગ્યે
થશે. થાઈલેન્ડ બાદ ત્રીજી સપ્ટેમ્બરે ભારત અને હોંગકોંગ તેમજ પાંચમી સપ્ટેમ્બરે ભારત
અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાનો છે.