• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

જામનગર રેલવે સ્ટેશને થયેલા હુમલાની ઘટના હત્યામાં ફેરવાઈ, બે આરોપી પકડાયા

પ્લેટફોર્મ નં.1 પર પથ્થર વડે હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભુપેન્દ્રનું સારવાર દરમિયાન મૃત્યુ

જામનગર, તા.ર9: પૈસાની લેતી-દેતી બાબતે ગત તા.19 ના રોજ રાત્રે થયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. આ ઘટનામાં બે શખસને પકડી પાડયા છે.

જામનગરમાં ગેસના ચૂલા અને વાસણ વેચવાનું કામ કરતા સોહીલ પાસેથી ઉત્તર પ્રદેશના લલીતપુરના વતની અરમાને પૈસાનો ઉપાડ લીધો હતો. અરમાન અને તેની પત્ની કામ છોડીને સોહીલને જાણ કર્યા વગર પોતાના વતન જવા તા.18 ઓગસ્ટની રાત્રે જામનગર રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. જેને ગોતવા સોહીલ અને ભુપેન્દ્ર, મૂળ અલીગઢના અને હાલ જામનગરમાં રહેતા સાબુદીન લડકાન શાહ તથા એક રિક્ષા ચાલક અરમાનની શોધખોળ માટે રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.

દરમિયાન રાત્રિના એક વાગ્યાના સુમારે પ્લેટફોર્મ નં.1 ના રાજકોટ તરફના છેડે અરમાન સાથે વાતચીત ચાલી રહી હતી. આ સમયે અરમાનની પત્ની ગભરાઈ જતાં તેણે પ્લેટફોર્મના છેડે નીચે બેઠેલા કેટલાક લોકોને મદદ માટે જાણ કરી હતી. ત્યારબાદ ત્યાં આવેલા બે શખસોમાંથી એકે ભુપેન્દ્ર સાથે મારામારી કરી હતી, જ્યારે બીજા શખસે પ્લેટફોર્મની ફેન્સિંગ નજીક પડેલો પથ્થર ઉપાડી ભુપેન્દ્રના માથાના ભાગે ઝીંકી દીધો હતો.

પથ્થર વડે થયેલા હુમલામાં ભુપેન્દ્રને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હુમલો કર્યા બાદ બન્ને શખસો નાસી છૂટયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ભુપેન્દ્રને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માથામાં ગંભીર ઈજા હોવાથી તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જો કે સારવાર દરમિયાન ભુપેન્દ્રનું મૃત્યુ નિપજતાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો.

ભુપેન્દ્રના મૃત્યુ બાદ રેલવે પોલીસે હુમલામાં સંડોવાયેલા સલાઉદીન માંજોઠી અને અક્રમ માંજોઠીને ઝડપી જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. હત્યાની કલમનો ઉમેરો કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ હુમલામાં બન્ને આરોપીઓની ચોક્કસ ભૂમિકા અને ઘટનાક્રમ અંગે રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક