ઉમા ટાઉનશીપના વેપારી સાથે આચરવામાં આવી
છેતરાપિંડી
મોરબી,
તા.9: મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા અને ટાઈલ્સ-મારબલનો વેપાર કરતા વેપારી સાથે શેરબજારમાં
ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂ 86,25,950ની ઠગાઈ આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
આરોપીઓએ શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવી થોડો નફો પરત આપી વિશ્વાસ કેળવ્યો હતો અને
ત્યારબાદ ટેક્સ તથા વધુ નફાની લાલચ આપી અલગ-અલગ બેંક ખાતા તેમજ આંગડિયા પેઢી મારફત
મોટી રકમ પડાવી લીધી હતી. આ મામલે ભોગ બનનાર દ્વારા અગાઉ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર
1930 પર ફરિયાદ કરવામાં આવી હતી, અને હાલ મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની
વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસમાં
ઉમા ટાઉનશીપમાં રહેતા ભરતભાઈ ખીમજીભાઈ વરમોરા (ઉં.વ.45) નામના વેપારીએ તેમની ટીંબડી
ગામે આવેલી ‘સીતારામ એન્ટરપ્રાઈઝ’ પેઢીના આધારે ચાર શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
છે. નામજોગ આરોપીઓમાં રોહનકુમાર, લલિતભાઈ બ્રોકર, સાગર પટેલ અને નચિકેત બળદેવભાઈ રબારીનો
સમાવેશ થાય છે.
ફરિયાદીના
20 વર્ષીય પુત્ર પલ્લવને ઘૂંટું ગામના ગોડાઉન ખાતે બેસવા દરમિયાન રોહનકુમારનો ફોન આવ્યો
હતો, જેણે પોતાને માધવભાઈનો એજન્ટ ગણાવી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની સ્કીમ બતાવી
હતી. ત્યારબાદ આરોપીઓએ પલ્લવ પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેકશન અને આંગડિયા મારફત કુલ રૂ
86,25,950 પડાવી લઈને વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી.